Gujarat

મંત્રી ઋષિકેશ પટેલે અંબાજીમાં કહ્યું વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ

અંબાજી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વિદ્યાર્થીઓના પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યથી થઈ હતી.

મંત્રી ઋષિકેશ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે મૂળ નિવાસી સમાજ પ્રકૃતિ સાથેના સહજીવન અને તેના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે વનબંધુઓએ અંગ્રેજો સામે સ્વતંત્રતા અને સ્વાભિમાન માટે આપેલી લડત આજે પણ દેશ ગૌરવભેર યાદ કરે છે.

મંત્રીએ આદિજાતિ સમાજના વિકાસ માટે લેવાયેલા પગલાંઓની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 2007માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વનબંધુ યોજના’ શરૂ કરી હતી. આ યોજનામાં માર્ગ, મકાન, વીજળી અને પશુ સહાય જેવી સુવિધાઓનો સમાવેશ કરાયો હતો.

મંત્રીએ ઉલ્લેખ કર્યો કે રાજ્યના દાંતાથી ડાંગ વિસ્તાર સુધી આશરે 90 લાખ આદિવાસી બાંધવો વસવાટ કરે છે. વડાપ્રધાન મોદીએ સિકલ સેલ એનિમિયા જેવા રોગ અંગે ચિંતા કરીને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવી છે. શિક્ષણ ક્ષેત્રે બંધારણીય હકો હેઠળ નોકરીની તક આપવામાં આવી રહી છે. NEET-JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં 500 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે.