Gujarat

અમીરગઢ પાસેથી દારૂની હેરાફેરી ઝડપાઈ, નંબર પ્લેટ વગરની ઈનોવામાંથી 10.48 લાખનો વિદેશી દારૂ જપ્ત

બનાસકાંઠા એલસીબી પોલીસે અમીરગઢના ચિકણવાસ પાટીયા નજીક રોડ પરથી દારૂની હેરાફેરી કરતી નંબર પ્લેટ વગરની ઈનોવા કાર પકડી પાડી છે. પોલીસે આ કારમાંથી કુલ 1979 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યા છે. પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈની ટીમ પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતી.

આ દરમિયાન બાતમી મળી હતી કે અમીરગઢના ચિકણવાસ પાટીયા નજીક દારૂની હેરાફેરી થઈ રહી છે. પોલીસે નાકાબંધી કરતાં ચાલક ઈનોવા ગાડી મૂકીને ભાગી ગયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતાં તેમાંથી વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયર મળી આવ્યા હતા.

જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 5,48,167 અને ઈનોવા ગાડી સહિત કુલ મુદ્દામાલની કિંમત રૂ. 10,48,167 થવા જાય છે. ફરાર થયેલા ગાડી ચાલક વિરુદ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે કડક અમલવારી ચાલી રહી છે.