Gujarat

સુરતમાં જ્વેલર્સને નકલી ચેઇન પધરાવવા આવ્યા’તા, ચાર શખ્સની ધરપકડ

સુરતના કતારગામ સ્થિત રાજ જવેલર્સમાં નકલી સોનાની ચેઈન વેચતા ઝડપાયેલા ધોરાજીના બે યુવાનની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે. નકલી ચેઈન બનાવી તેના પર નકલી હોલમાર્ક કરતા ચાર સોનીને ધોરાજી અને જૂનાગઢથી કતારગામ પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી હોલમાર્ક મશીન પણ કબજે કર્યું છે. આ ટોળકીએ અત્યાર સુધી છ છ નકલી ચેઇન બનાવ્યાની કબૂલાત કરી છે.

જ્યારે 700 રૂપિયાના નકલી હોલમાર્ક કરી આપતા હોવાનું સામે આવ્યું છે. કતારગામ વિસ્તારમાં આવેલી યોગીકૃપા એપા.માં રહેતા ઘનશ્યામ જીવરાજભાઈ સોની (ઉ. વ. 51) નજીકના વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં રાજ જવેલર્સના નામે શો-રૂમ ધરાવે છે. ગત સોમવારે બે યુવકો તેમના શો-રૂમ પર આવ્યા હતા અને એક ચેઈન બતાવી હતી. 916 હોલમાર્કવાળી આ ચેઇન તેઓ વેચવા માંગતા હતા.

10.830 ગ્રામ વજનની ચેઈનના 82 હજાર રૂપિયા થતા હતા, પરંતુ 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવતાં આ જવેલર્સને મામલો શંકાસ્પદ લાગ્યો હતો. એડવાન્સ પેટે તેમને પાંચ હજાર આપી એક કલાક બાદ બીજા 77 હજાર રૂપિયા આવીને લઈ જવા કહ્યું હતું.

તેમના ગયા બાદ ગેસ લાઈટર વડે ચેઈન ચકાસતાં તેની નીચે તાંબુ જણાઇ આવ્યું હતું. નિયત સમયે બંને આવે તે પહેલાં જ આ જવેલર્સે કતારગામ પોલીસને બોલાવી લીધી હતી. બીજા નાણાં લેવા આવેલા ધોરાજી બહારપુરાના અફાન આરિફ જાનુહસન (ઉ.વ. 35) અને પ્રિયંક જગદીશ ગોધાસરા (ઉ.વ. 30)ને ઝડપી લેવાયા હતા.