Gujarat

રિવરફ્રન્ટ પર યુવકને બાઇક ચાલકે ટક્કર મારતા હેમરેજ થયું, સારવાર દરમિયાન મોત

અમદાવાદમાં ગત મોડી રાતથી અકસ્માતના 3 અલગ અલગ બનાવ બન્યા છે.જેમાં એક રાજેન્દ્ર નામના યુવકનું મોત થયું છે. રિવરફ્રન્ટ પર ચાલતા જઈ રહેલા યુવકને બાઇક ચાલકે ટક્કર મારતા યુવકને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે.

વ્યાસવાડી પાસે પણ કારચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે.પાલડીમાં કારચાલકે ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારતા તેને હોસ્પિટલ ખસેડાયો છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પાસેથી રાજેન્દ્ર બારોટ નામનો 39 વર્ષીય યુવક રહીમ ટેકરાથી આવીને રિવરફ્રન્ટમાં રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન એક બાઇક ચાલકે પૂરઝડપે રાજેન્દ્રને ટક્કર મારી હતી.

રાજેન્દ્રને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.રાજેન્દ્રભાઈને માથાના ભાગે હેમરેજ થયું હતું.સવારે 4 વાગ્યે સારવાર દરમિયાન રાજેન્દ્રભાઈનું મોત થયું છે.B ડિવિઝન ટ્રાફિક પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વ્યાસવાડી પાસે એક કારચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી.જેના કારણે રિક્ષા પલટી ખાઈ ગઇ હતી. જેમાં રિક્ષાચાલકને ઇજા પહોંચતા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.કારચાલકે એટલી ઝડપે ટક્કર મારી હતી કે રિક્ષા પલટી ખાઈને સામે પેપર વેચતા ફેરિયાના એક્ટિવા સુધી પહોંચી હતી.રિક્ષા અને એક્ટિવા બંનેને નુકસાન થયું છે.ટ્રાફિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.