Gujarat

2 લાખનો વિદેશી દારૂ અને બે સ્કોર્પિયો ગાડી સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બોપલ પોલીસે પ્રોહિબિશન અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. બોપલ પોલીસે મણીપુર ગામની સીમમાં આવેલ ખુલ્લી જગ્યામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટીંગ કરતા એક શખ્સને પકડ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે જી.ઇ.બી રોડ પર મણીપુર ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દિવ્યરાજ હરેન્દ્રસિંહ ચૌહાણ (રહે. દરબાર ગઢ, ઓડ ગામ, તા. દસક્રોઇ, જિ. અમદાવાદ)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 677 બોટલ કિંમત રૂ.2,03,000 જપ્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત પોલીસે બે સ્કોર્પિયો ગાડી પણ જપ્ત કરી છે. સફેદ કલરની સ્કોર્પિયો (GJ-12-DG-2677) કિંમત રૂ. 5,00,000 અને કાળા કલરની સ્કોર્પિયો (GJ-27-EF-5007) કિંમત રૂ. 8,00,000 મળી કુલ રૂ. 13,00,000ની ગાડીઓ જપ્ત કરવામાં આવી છે. આ સાથે એક મોબાઇલ ફોન કિંમત રૂ. 30,000 પણ જપ્ત કરવામાં આવ્યો છે.