મુન્દ્રામાં બસ સ્ટેશન વિસ્તારમાં કાયમી ધોરણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા નગરજનો માંગ કરી રહ્યા છે. એક તરફ અકસ્માતની ઘટનાઓ અટકાવવા નગરમાંથી ભારે વાહનોની પ્રવેશબંધીની અમલવારી ચુસ્તપણે થવા સામાજિક, સ્વૈચ્છિક અને રાજકિય સંસ્થાઓ દ્વારા તંત્રમાં રજૂઆતો કરવામાં આવી છે. બીજી તરફ નગરના અંદરના વિસ્તારોમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવાની માંગ પણ ઉઠી રહી છે.
ખાસ કરીને બસ સ્ટેશન બહારના માર્ગે અવારનવાર આ સમસ્યા ઉદભવે છે. બસ સ્ટેન્ડ પાસે કાયમી ધોરણે ટ્રાફિક જામ રહે છે. આ સમસ્યાના ઉકેલ માટે કોઈ તંત્ર કાર્યરત ન હોય તેમ લાગી રહ્યું છે. ટ્રાફિક જામને કારણે કલાકો સુધી વાહનો ફસાઈ જાય છે. મુન્દ્રાને ટ્રાફિક મુક્ત કરવા માટે મુન્દ્રા ટ્રાફિક કે જિલ્લા ટ્રાફિક પોલીસની સતત જરૂર છે. આ વિસ્તારમાં ઇમર્જન્સી વાહનો પણ ફસાઈ જાય છે જે ચિંતાનો વિષય છે.