ગુજરાતમાં છેલ્લા બચેલા ત્રણ માદા ઘોરાડ પક્ષીને રેડિયો કોલર ટેગ કરવા ભારત સરકારે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, દેહરાદૂનને મંજૂરી આપી દીધી છે. રાજ્યમાં નલિયાના ઘાસિયા મેદાનમાં આ ઘોરાડ પક્ષી મુક્તપણે વિચરી રહ્યા છે. ભવિષ્યમાં રાજસ્થાનથી ફલિત ઈંડા લાવી ગુજરાતમાં જમ્પ સ્ટાર્ટ અથવા એગ સ્વેપિંગ ટેક્નોલોજીનો પહેલો ઉપયોગ થશે, એના પહેલા આ નિર્ણય લેવાયો છે.
રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન જયપાલ સિંઘએ જણાવ્યું કે, રાજસ્થાનમાંથી જયારે ફળદ્રુપ ઈંડા ગુજરાત લાવવામાં આવશે, ત્યારે આ ટેગિંગ દ્વારા લોકેશન ટ્રેકિંગ સરળ પડશે અને વનવિભાગ આ મુદ્દાને મોનિટર કરી રહ્યું છે.
કચ્છ જિલ્લાના મુખ્ય વન સંરક્ષક ડો. સંદીપકુમારે જણાવ્યું કે, આ માદા ઘોરાડને ટેગ કરવાથી જમ્પ સ્ટાર્ટ ટેક્નિક અમલમાં મૂકીશું, ત્યારે માદા ઘોરાડ ક્યાં છે? ક્યાં સ્થળે ઈંડુ મૂક્યાની શક્યતા છે તે તમામ પરિબળો અને લોકેશન વૈજ્ઞાનિક ઢબે મળી શકશે.
કચ્છમાં બચેલી છેલ્લી માદા ઘોરાડ દર-વર્ષે ઈંડા મૂકે છે અને તેને માતૃત્વના ભાવ સાથે સેવે પણ છે, જો કે તે બિનફળદ્રુપ હોય છે. 7 વર્ષથી કચ્છમાં નર ઘોરાડ નથી. ઘોરાડ માદા વર્ષમાં એક અથવા બે ઈંડા આપતી હોય છે.
જમ્પ સ્ટાર્ટ પદ્ધતિમાં વનવિભાગનો પ્લાન એમ છે, જ્યારે કચ્છમાં માદા ઘોરાડ બિનફળદ્રુપ ઈંડુ સેવે ત્યારે જ રાજસ્થાન જેસલમેરથી ઘોરાડ માદાનું ફળદ્રુપ ઈંડુ કચ્છ એરોપ્લેન મારફતે લાવવામાં આવે, પછી તેને બદલી દેવાય. એટલે નલિયાના ઘાસીયામેદાનમાં માદા ઘોરાડ ફળદ્રુપ ઈંડુ સેવશે અને પેઢી આગળ વધી શકશે.