Gujarat

પાક સૂકાવા લાગ્યા, આવનારા દિવસોમાં વરસાદ ન પડે તો વર્ષ નબળું રહેવાની શક્યતા

અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બની રહ્યા છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 25 દિવસથી વધુ સમયથી વરસાદ નથી પડ્યો. જિલ્લામાં 5 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.

વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત ખરાબ બની રહી છે. પાક મુરઝાવા લાગ્યો છે. ખેડૂતો આકાશ તરફ નજર માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે. સમયસર વીજળી ન મળવી અને અનિયમિત વીજ પુરવઠો જેવી સમસ્યાઓ પણ ખેડૂતોને સતાવી રહી છે.

અમરેલી, વડીયા, કુંકાવાવ, બાબરા, લાઠી, લીલીયા, સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા, રાજુલા અને જાફરાબાદ સહિત મોટાભાગના તાલુકામાં ખેડૂતોની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. પાકો બળી જવાની તૈયારીમાં છે. આવનારા દિવસોમાં વરસાદ ન પડે તો આ વર્ષ ખેડૂતો માટે નબળું રહેવાની શક્યતા છે.

ખડસલી ગામના ખેડૂત ચેતન માલાણીએ જણાવ્યું કે, “હાલના સંજોગોમાં 25 દિવસથી વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. મગફળી અને કપાસનું વાવેતર કર્યું છે. અત્યારે મગફળી સૂયા બેસવાનો સમય છે પણ વરસાદ ખેંચાયો છે. જેના કારણે ઉત્પાદનમાં ખૂબ ફેર પડશે. જો વરસાદ થાય તો ખેડૂતોને જીવમાં જીવ આવશે. વરસાદ જો 10થી 15 દિવસ ખેંચાય તો ખેડૂતોના હાલ બેહાલ થશે.”