Gujarat

રોડ ક્રોસ કરતા ટ્રક ડ્રાઇવરને ટ્રાવેલ્સ બસે અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત

પાટડી તાલુકાના માલવણ ટોલ નાકા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક ડ્રાઇવર બનવારીસિંઘ રોડ ક્રોસ કરીને ચા-પાણી માટે જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રાવેલ્સ બસે તેમને અડફેટે લીધા અકસ્માત વહેલી સવારે બન્યો હતો. બનવારીસિંઘે પોતાની ટ્રક સાઈડમાં પાર્ક કરી હતી અને સામેની હોટલ પર નાસ્તો કરવા જઈ રહ્યા હતા. તે સમયે માલવણથી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રાવેલ્સ બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને બનવારીસિંઘને અડફેટે લીધા.

અકસ્માતમાં બનવારીસિંઘને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ. તેમને લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા.

ઘટનાની જાણ થતાં મૃતક બનવારીસિંઘના ભાણા સુમિતસિંઘ ગણેશસિંઘ સોલંકી સહિતના પરિવારજનો પાટડી સરકારી હોસ્પિટલ દોડી આવ્યા. પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. બજાણા પોલીસ મથકના બી.જે.સોલંકીએ અજાણ્યા ટ્રાવેલ્સ ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રાવેલ્સ બસનો ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો.