Gujarat

સુરત પોલીસે કોર્પોરેશનના 20 વાહન ડિટેઇન કર્યા, માતેલા સાંઢની જેમ ફરતી નંબર પ્લેટ વગરની કચરાગાડીઓ અને બે સિટી બસનો સમાવેશ

માતેલા સાંઢની જેમ પ્રતિબંધિત સમયમાં પણ દોડતા સિમેન્ટ-કોંક્રિટના ડમ્પરે એકને કચડી નાંખ્યા બાદ હરકતમાં આવેલી ટ્રાફિક પોલીસે ભારે વાહનો પર હાથ ધરેલી દંડાત્મક કાર્યવાહી વચ્ચે સુરત મહાનગરપાલિકાના જ વાહનો નિયમ વિરુદ્ધ ચાલતા ઝડપાયા છે. શહેરમાં કચરો ઉઠાવતી અને તેને ડિસ્પોઝલ સાઇટ સુધી પહોંચાડતી કચરાગાડીઓની નંબર પ્લેટ સહિતની ખામીઓ મળી આવી હતી.

આ સાથે એક પણ ડ્રાઇવર પાસે લાઈસન્સ નહિ મળતાં પોલીસે મનપાના જ 20 વાહન ડિટેઇન કરી લીધા હતા. આ 20 વાહનમાં બે સિટી બસનો પણ સમાવેશ થાય છે. એ.સી.પી. એસ.આર. ટંડેલ (ટ્રાફિક)એ જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામા ભંગના સમયમાં પ્રવેશતા વાહનો ઉપર સતત કાર્યવાહી થઈ રહી છે.

મનપાના કોન્ટ્રાક્ટ હેઠળ દોડતા વાહનોને જોકે જાહેરનામાંથી છૂટ અપાઇ છે, પરંતુ તેમણે નંબર પ્લેટ અને વાહનોની ફિટનેસ સહિતની કાળજી રાખવાની હોય છે. પણ આ વાહનચાલકો મનપાના કોન્ટ્રાક્ટની આડમાં વાહનો બેદરકારીપૂર્વક ચલાવવાની સાથે તેની નંબર પ્લેટને લઇને પણ મનસ્વી રીતે વર્તતા હતા.

પોલીસ દ્વારા મનપાના વાહનોને ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટેભાગની ગાડીઓ ખખડધજ હોવાની સાથે તેની નંબર પ્લેટ વંચાય તેવી સ્થિતિમાં રાખવામાં આવી ન હતી. પોલીસે એક પછી એક 20 વાહનો ડિટેઈન કર્યા હતા.

આશ્ચર્યજનક રીતે એક પણ ડ્રાઇવર પાસે જે તે સમયે લાઈસન્સ નહિ હોવાથી આ વાહનો ડિટેઇન કરી લેવાયા હતા. મનપાના જ વાહનોમાં ખામીઓ અને ડ્રાઇવરો લાઇસન્સ વિના ચલાવતા હોઈ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.