Gujarat

જામનગરના પોલીસ વડાને ભાવભીની વિદાય, પ્રેમસુખ ડેલુની કારને પોલીસકર્મીઓએ દોરડાથી ખેંચી

જામનગરના પૂર્વ પોલીસ વડા પ્રેમસુખ ડેલુની વિદાય અનોખી રીતે કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાર્ટરથી સાત રસ્તા સુધી મોટી સંખ્યામાં શહેરીજનો એકત્રિત થયા હતા.

પોલીસકર્મીઓએ ડેલુની ગાડીને દોરડા વડે ખેંચીને વિદાય આપી. રસ્તા પર લોકોએ પુષ્પવર્ષા કરી હતી. ગાડીમાં બેસતાની સાથે જ પ્રેમસુખ ડેલુની આંખો ભીની થઈ ગઈ હતી.

જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પોલીસ વડાને આવી ભાવભીની વિદાય આપવામાં આવી. વિદાય સમારંભમાં પોલીસ પરિવાર, શહેરીજનો, વિવિધ સંસ્થાના આગેવાનો અને વિવિધ ધર્મના લોકો હાજર રહ્યા હતા.

વિદાય વેળાએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવવામાં આવ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં લોકો શુભેચ્છા આપવા માટે ઉમટી પડ્યા હતા.

રાજ્ય સરકારના ગૃહ વિભાગે તાજેતરમાં કરેલી 105 આઈપીએસ અધિકારીઓની બદલીના ભાગરૂપે જામનગર જિલ્લાને નવા પોલીસ વડા મળ્યા છે. અમદાવાદ ઝોન-6ના પોલીસ વડા રવિ મોહન સૈનીએ આજે જામનગર જિલ્લા પોલીસ વડા તરીકેનો પદભાર સંભાળ્યો છે.

વિદાય લઈ રહેલા એસપી પ્રેમસુખ ડેલુએ પુષ્પગુચ્છ આપીને રવિ મોહન સૈનીનું સ્વાગત કર્યું હતું. પોલીસ વિભાગે પ્રોટોકોલ મુજબ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ત્યારબાદ પ્રેમસુખ ડેલુએ વિધિવત રીતે નવા એસપી સૈનીને ચાર્જ સોંપ્યો હતો.

પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી છે. તેઓ જામનગરમાં નિષ્ઠાવાન અને લોકપ્રિય પોલીસ વડા તરીકે જાણીતા હતા.