Gujarat

અમદાવાદમાં 25થી 31 ડિસેમ્બર કાંકરિયા કાર્નિવલ 2025 યોજાશે, ગત વર્ષનાં બે દિવસનાં કાર્યક્રમનાં ખર્ચની મંજૂરી અપાઈ

અમદાવાદના સૌથી જાણીતા કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમની 25થી 31 ડિસેમ્બર દરમિયાન ઉજવણી કરવામાં આવતી હોય છે. ગત વર્ષે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અવસાનના પગલે માત્ર બે દિવસ કાંકરિયા કાર્નિવલ યોજાયો હતો.

આ કાર્નિવલ દરમિયાન બે દિવસના કાર્યક્રમ માટે ઇવેન્ટ કંપનીને ખર્ચ ચૂકવવા અંગેની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવી છે. જોકે, કેટલી રકમ ચૂકવવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ચાલુ વર્ષે પણ દર વર્ષની જેમ 25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, કાંકરીયા કાર્નિવલ 2025 દરમિયાન નગરજનોના મનોરંજન માટે સાતેય દિવસો દરમિયાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો તેમજ લોક ડાયરાના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, લેસર શૉ વિગેરેનું આયોજન કરવામાં આવશે. કાર્નિવલના પ્રથમ દિવસે ડ્રોન શો પણ યોજાશે.

કાંકરિયા કાર્નિવલ 2025 દરમિયાન બોલિવૂડ ફ્યુઝન, પોલીસ બેન્ડ, તલવાર રાસ, ટીપ્પણી ડાન્સ, ફોક ડાન્સ, દેશભક્તિના ગીતો, નૃત્ય નાટીકા, ભારતીય ક્લાસિકલ ડાન્સ, સુફી ગઝલ, સ્ટેન્ડ અપ કોમેડી શો, બ્લેક કમાન્ડો પીરામીડ શો, લાઈફ સાઈઝ પપેટ શૉ, પેટ ફેશન શો, ગીત સંગીત જેવા કાર્યક્રમો તેમજ બાળકોના મનોરંજન માટે મેજીક શૉ જેવા વિવિધ કાર્યોક્રમોનું આયોજન હાથ ધરવામાં આવશે.