Gujarat

જામનગરમાં “સન્ડે ઓન સાઈકલ” રેલીનું આયોજન

જામનગર જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત “સન્ડે ઓન સાઇકલ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો અને પર્યાવરણ મિત્ર વાહનોનો પ્રચાર કરવાનો છે.

સાઇકલ રેલીનું પ્રસ્થાન પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી કરવામાં આવ્યું. રેલી જંગલેશ્વર મંદિર રોડ, એસ.ટી.રોડ, સાત રસ્તા થઈને આગળ વધી. ત્યારબાદ શરુ સેક્શન, પંચવટી સર્કલ, પી.એન.માર્ગ અને જી.જી.હોસ્પિટલ સુધી પહોંચી. રેલી ગુરુદ્વારા ચોકડી અને લાલ બંગલો સર્કલથી થઈને જે.એમ.સી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પહોંચી. અંતે રણમલ તળાવના ગેટ નંબર 1 ખાતે રેલી સંપન્ન થઈ.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, એએસપી પ્રતિભા અને નિવાસી કલેક્ટર ભાવેશ ખેર ઉપસ્થિત રહ્યા. ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા, જયવીરસિંહ ઝાલા અને મીત રૂડલાલ સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ પણ રેલીમાં ભાગ લીધો. આ રેલી દ્વારા સમાજમાં ફિટનેસનો સંદેશો ફેલાવવા અને લોકોને શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.