ગુજરાતનાં સુપ્રસિદ્ધ તરણેતર ના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડતાં હોય છે.ત્યારે આ મેળામાં કોઈ પણ પ્રકારની આરોગ્યલક્ષી કટોકટીનો સામનો કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સુદૃઢ અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા મેળાના સ્થળ પર આરોગ્ય સેવાઓનું એક અભૂતપૂર્વ માળખું ગોઠવવામાં આવ્યું છે. આ માળખામાં માત્ર તાત્કાલિક સારવાર જ નહીં, પરંતુ પૂર્વ આયોજન, મોનિટરિંગ અને કટોકટી વ્યવસ્થાપનનો પણ સમાવેશ થાય છે. જેના વિશે વિસ્તૃત માહિતી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. બી.જી ગોહિલે જણાવ્યું હતું કે, મેળા દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કુલ ૨૫ મેડિકલ ઓફિસર અને ૧૦૪ આરોગ્ય કર્મચારીઓની ટીમ તહેનાત કરવામાં આવી છે. આ કર્મચારીઓમાં ડોક્ટર્સ, નર્સ, ફાર્માસિસ્ટ અને અન્ય સહાયક સ્ટાફનો સમાવેશ થાય છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મેળાના કોઈપણ ભાગમાં કોઈપણ વ્યક્તિને તાત્કાલિક સારવારની જરૂર પડે તો તે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં અલગ-અલગ પાંચ સ્થળોએ મેડિકલ ટીમો ગોઠવવામાં આવી છે, જેમાંથી ચાર ટીમો ૨૪ કલાક અવિરત સેવા આપશે. આ કેન્દ્રો પર સામાન્ય બિમારીઓથી માંડીને ઈમરજન્સી કેસ માટે જરૂરી દવાઓ અને સાધનો ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા લોકમેળાઓ જેવા જાહેર આયોજનોમાં જનતાના સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તાત્કાલિક સારવાર માટે દર્દીને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવામાં વિલંબ ન થાય તે માટે મેળામાં ચાર એમ્બ્યુલન્સ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.માત્ર મેળાના સ્થળ પર જ નહીં, પરંતુ આસપાસના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ને પણ ૨૪ કલાક ખુલ્લા રાખવાની સૂચના આપવામાં આવી છે. જેથી મેળાના સ્થળ પર રિફર થતા દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે.