જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં પાણીના ટાંકાની દિવાલ ધરાશાયીમાં મૃત્યુ નિપજનાર યુવકના અને નુકશાન થયેલ પરિવારોને સહાય ચુકવવા માટે આજે સ્થાનિક લોકો સાથે વિપક્ષોએ કમિશનરને લેખિત રજુઆત કરી છે અને પાણીના જર્જરિત ટાંકા અને દીવાલો નવી બનાવવા માટે માંગણી કરવામાં આવી છે.
શહેરના શંકરટેકરી વિસ્તારમાં ગત શનિવારે પાણીના ટાંકાની દિવાલ ધરાશાયી થતા અને ત્યાંના રહેવાસી અયુબભાઈની માથે પડતા શરીરે ઈજા પહોંચતા સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. તેમજ દિવાલ પડતા નીચે પાંચ મોટર સાયકલો દબાઈ ગયા હતા. તેમજ પાણીનો પ્રવાહ આવતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.
જેથી અમુક લોકોની ઘરવખરી પલળી ગઈ હતી અને પાણીના પ્રવાહમાં તણાઈ ગઇ હતી. જેથી નુકશાન થયેલ તેમજ મૃતકના પરિવારોને અને મોટર સાયકલમાં સહિતના લોકોને થયેલ નુકશાનની સહાય આપવા માટે મંગળવારે વિપક્ષોએ કમિશનરને લેખિત રજુઆત કરી હતી.
શહેરના શંકર ટેકરીમાં આવેલો પાણીને ટાંકો 50 વર્ષ જેટલો જનો છે. પાણીના ટાંકાની જર્જરિત દીવાલો અને જુના ટાંકા તાત્કાલિક ધોરણે નવા બનાવવાની કામગીરી કરવા તેમજ મહાનગરપાલિકા સંચાલિત આવા ટાંકા અને બિલ્ડીંગોનું જર્જરિત અને નુકશાન કારક હોય તો નવી બનાવવા માંગણી કરવામાં આવી છે. આ રજુઆતમાં વિપક્ષી નેતા ધવલભાઈ નંદા, કોર્પોરેટર આનંદ રાઠોડ, જેનબબેન ખફી સહિતના કાર્યકર્તા જોડાયા હતા.