Gujarat

શાળા તરફથી આજે ઓનલાઈન જવાબ રજૂ કરાય તેવી શક્યતા, જવાબ રજૂ નહીં થાય તો NOC રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં સ્કૂલના સંચાલકો આજે ઇ-મેલ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી (ડી.ઈ.ઓ.) સમક્ષ પોતાનો જવાબ રજૂ કરશે. સ્કૂલમાં થોડા દિવસ પહેલા ધોરણ 10ના વિદ્યાર્થી દ્વારા ધોરણ 8ના વિદ્યાર્થીની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર દેશમાં શિક્ષણ જગતમાં ભારે આક્રોશ ફેલાયો હતો.

લોકોએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કર્યા હતા. અમદાવાદમાં પણ તેના ઘેરા પડઘા પડ્યા હતા, જ્યાં સિંધિ સમાજ, વિદ્યાર્થી સંગઠનો અને હિન્દુ સંગઠનોએ સ્કૂલમાં તોડફોડ કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો.

આ ઘટના બાદ મણિનગર, ખોખરા, અમરાઈવાડી, ઈસનપુર જેવા વિસ્તારોમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. સિંધી સમાજે બજારો બંધ રાખીને આક્રોશ વ્યક્ત કર્યો હતો, જ્યારે એન.એસ.યુ.આઈ. દ્વારા સ્કૂલને તાળાબંધીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.

વિદ્યાર્થીની સ્મશાન યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.આ મામલાની ગંભીરતા જોતા તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે હત્યામાં સામેલ બે વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે અને સ્કૂલના સંચાલકો વિરુદ્ધ બેદરકારી બદલ ફરિયાદ નોંધી છે.