Uncategorized

કોરોના સંક્રમણના અટકાયતી પગલાં અંગે બેઠક યોજતા કલેકટરશ્રી આયુષ ઓક

કોરોના સંક્રમણના અટકાયતી પગલાં અંગે બેઠક યોજતા કલેકટરશ્રી આયુષ ઓક

 

 

સુરત, મુંબઈ સહિત આંતરરાજ્યમાં ચાલતી સરકારી કે ખાનગી બસોનુ સઘન ચેકીંગ

બસો, ડેપો સહિતના એસ.ટી.ના મુખ્ય પરિસરોનું સેનિટાઇઝેશન કરવા આદેશ

સરકારી કચેરીઓમાં સાબુ અને પાણીની વ્યવસ્થા કરવા સૂચના

હોમ કોરન્ટાઇન પૂર્ણ થયેલા મુસાફરોનું રી-સ્ક્રીનિંગ કરશે

ચણા, તુવેરની ખરીદી દરમિયાન માર્કેટિંગ યાર્ડ ઉપર વિશેષ દેખરેખ રાખવા તાકીદ

ધાર્મિક સ્થળો પર વધુ લોકોની અવર-જવર ટાળવા અપીલ

રેસ્ટોરન્ટના રસોડામાં ગ્લવ્ઝ પહેરીને જ કામ કરવા સૂચના

પૂર્વ મંજૂરી સિવાય જાહેર કાર્યક્રમનું આયોજન કરી શકાય નહિ

અમરેલી,

કોરોના વાયરસના સંક્રમણના અટકાયતી પગલાં અંગે જિલ્લાની તમામ શાખાઓના વડાઓ સાથે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં સુરત, મુંબઈ અન્ય રાજ્યોથી વિપુલ પ્રમાણમાં લોકોની અવર-જવર રહે છે માટે વાહન વ્યવહાર વિભાગે આરોગ્ય અને પોલીસ વિભાગના સંકલનમાં રહીને ચેક પોસ્ટ બનાવી બસોમાં મુસાફરી કરતા તમામ મુસાફરોનું સઘન ચેકીંગ કરવાનું રહેશે.
ચેકીંગ દરમિયાન આરોગ્ય વિભાગે મુસાફરોની ટ્રાવેલ હિસ્ટરીને અચૂક નોંધવા તાકીદ કરી હતી. ખાનગી બસ સંચાલકોને સેનીટેશન અંગે લેખિતમાં જાણ કરવા વિગતવાર જાણકારી આપવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત એસ.ટી. વિભાગને તમામ બસો, ડેપો સહિતના એસ.ટી.ના મુખ્ય પરિસરોનું સેનિટાઇઝેશન કરવાની સૂચના તેમજ કંડકટર-ડ્રાયવરને આરોગ્ય શાખા તરફથી તાલીમ લેવા સૂચના આપવામાં આવી હતી.  જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાના તમામ ધાર્મિક સ્થળોએ, વાડીઓ, પાર્ટી પ્લોટ વગેરેમાં હોર્ડિંગ લગાવવા સૂચન કર્યું હતું.
જિલ્લાની તમામ રેસ્ટોરન્ટના રસોડામાં લોકો ગ્લવ્ઝ પહેરીને જ કામ કરવા અને કોઈ બીમાર હોય તો તેમને તાત્કાલિક રજા આપવા જણાવ્યું હતું. નગર પાલિકાઓ, પંચાયતોના વડાઓ પાસેથી જાહેર થૂંકવા પર પ્રતિબંધ બાદ થયેલા દંડની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં સાબુ અને પાણીની વ્યવસ્થા કરી તાત્કાલિક રિપોર્ટ કરવા જણાવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્બારા તાજેતરમાં હોમ કોરન્ટાઇન પૂર્ણ થયેલા મુસાફરોનું રી-સ્ક્રીનિંગ કરવા આદેશ કર્યો હતો.
છેલ્લા કેટલાય સમયથી ચણા, તુવેરની ખરીદીમાં ઘણા લોકો સંકળાયેલા છે તો આ પ્રક્રિયા દરમિયાન માર્કેટિંગ યાર્ડ ઉપર વિશેષ દેખરેખ રાખવા તાકીદ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ધાર્મિક સ્થળો પર વધુ લોકોની અવર-જવર ટાળવા અપીલ કરી હતી. જિલ્લામાં તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સમાજના તમામ વર્ગોને સ્વલયં કોઇપણ પ્રકારના મેળાવડા-સંમેલનો યોજવામાં ન આવે તેની તકેદારી રાખવા પણ અપીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર અમરેલી જિલ્લામાં અંદાજે ૫૦ બેડના આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અમરેલી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ૨૫ બેડની વ્યવસ્થા તેમજ ૫ ખાનગી હોસ્પિટલો સાથે એમ.ઓ.યુ. કરી ૪ અમરેલીની અને ૧ સાવરકુંડલાની હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લામાં અમરેલીના શિક્ષણ તાલીમ ભવન ખાતે ૩૦ બેડની, ચિતલ સી.એચ.સી ખાતે ૧૫ બેડની અને લીલીયા સી.એચ.સી ખાતે ૨૦ બેડ એમ કુલ મળી ૬૫ જેટલા બેડની કોરન્ટાઇન ફેસીલીટી ઉભી કરવામાં આવી છે. પીપાવાવ પોર્ટ ખાતે ૨૪ કલાક મેડિકલ ટીમ અને વેન્ટીલેટર એમ્બ્યુલેન્સને હાજર રાખવામાં આવે છે અને એમના દ્વારા પોર્ટ ઉપર થતી અવર-જવર ઉપર દેખરેખ રાખવામાં આવે છે
રિપોર્ટર
રસિક વેગડા

મોટીકુકાવાવ

IMG-20200319-WA0015-1.jpg IMG-20200319-WA0017-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *