International

રશિયન ડ્રોન હુમલામાં યુક્રેનનું ‘સૌથી મોટું‘ નૌકાદળ જહાજ ડૂબી ગયું; એકનું મોત, અનેક ગુમ

એક આશ્ચર્યજનક ઘટનાક્રમમાં, રશિયાએ ઓડેસા ક્ષેત્ર નજીક ડેન્યુબ ડેલ્ટામાં યુક્રેનના સૌથી મોટા સક્રિય નૌકાદળના જહાજને ડૂબાડીને તેના પ્રથમ સફળ દરિયાઈ ડ્રોન હુમલાનો દાવો કર્યો છે.

આ હુમલા અંગે બોલતા, યુક્રેનિયન નૌકાદળે જણાવ્યું હતું કે, એક નાવિકનું મોત થયું છે, જ્યારે ઘણા અન્ય ગુમ છે, અને તેમને શોધવા માટે શોધ કામગીરી ચાલી રહી છે. “હુમલા પછીની પરિસ્થિતિને ઉકેલવાના પ્રયાસો ચાલુ છે. મોટાભાગના ક્રૂ સુરક્ષિત છે, અને ઘણા ગુમ થયેલા ખલાસીઓની શોધ ચાલુ છે,” યુક્રેનિયન નૌકાદળના પ્રવક્તા દિમિત્રો પ્લેટેનચુકે કિવ ઇન્ડિપેન્ડન્ટને જણાવ્યું હતું.

યુક્રેનિયન જહાજ પર રશિયાનો આ પહેલો નૌકાદળનો ડ્રોન હુમલો છે. અહેવાલો મુજબ, રશિયા દ્વારા રિમોટલી સંચાલિત બોટનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેને ભૂતકાળમાં અનેક રશિયન નૌકાદળના જહાજાેને નિશાન બનાવ્યા છે, પરંતુ ફેબ્રુઆરી ૨૦૨૨ માં શરૂ થયેલા યુદ્ધમાં ભાગ્યે જ કોઈ નૌકાદળનું નુકસાન થયું છે.

જાેકે, રશિયા હવે ડ્રોન હુમલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ગુરુવારે, તેણે કિવ પર ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા ૧૯ લોકો માર્યા ગયા અને લગભગ ૪૮ ઘાયલ થયા. યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલામાં ઓછામાં ઓછા ચાર બાળકો માર્યા ગયા.

દરમિયાન, રશિયન અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેમણે ગુરુવારે ૧૦૨ યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા છે.

યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ વ્લાદિમીર પુતિનની ટીકા કરતા કહ્યું કે રશિયન નેતા બાળકોની હત્યા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રશિયનોએ આખા દિવસમાં કિવ પર લગભગ ૬૦૦ ડ્રોન અને ૩૧ મિસાઇલો છોડ્યા, જેમાં બેલિસ્ટિકનો પણ સમાવેશ થાય છે.

“આ હુમલો સ્પષ્ટપણે દર્શાવે છે કે રશિયાના લક્ષ્યો બદલાયા નથી. તેઓ યુદ્ધ ઇચ્છે છે, ફક્ત આપણા લોકો અને શહેરો પર જ નહીં પરંતુ શાંતિ શોધતા વિશ્વના દરેક વ્યક્તિ પર હુમલો કરે છે,” ઝેલેન્સકીએ કહ્યું, “આ હુમલો યુક્રેન, યુરોપ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અન્ય વૈશ્વિક ખેલાડીઓ પર પણ છે.”