Gujarat

જામનગર શહેરમાં ત્રણ દિવસમાં કૃત્રિમ કુંડમાં 166 ગણપતિ બાપાની મૂર્તિઓનું વિસર્જન

ગણેશોત્સવની જામનગરમાં ધામધુમ પુર્વક ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. મ્યુ.તંત્ર દ્રારા ગણપતિ વિસર્જન માટે બે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે અને ગણેશોત્સવના ત્રીજા દિવસે કૃત્રિમ કુંડમાં 166 ગણપતિજીનું વિધિપુર્વક વિસર્જન કરવામાં આવ્યું છે.

જામનગરમાં ગણેશોત્સવનું છેલ્લા દાયકાથી મહત્વ ખુબ જ વધી ગયું છે. ત્યારે આ વર્ષે ઘરે-ઘરે તેમજ પંડાલોમાં હજારોની સંખ્યામાં ગણપતિ બાપાનું ગણેશ ચતુર્થીના વિધિવત દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ, નવ દિવસ અને અગિયાર દિવસ સુધીનું સ્થાપન કરવામાં આવ્યું છે. જે બાદ ગણપતિ બાપાની મુર્તિનું વિસર્જન કરવામાં આવે છે.

જેથી મહાનગરપાલિકાએ પર્યાવરણને ધ્યાને લઇને શહેરના વિશાલ હોટલની પાછળ અને રણજીતસાગર રોડ, લાલપુર બાયપાસ પાસે સરદાર રિવેરા પાસે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે.

તેમાં જ ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે શહેરીજનોને જણાવવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં બન્ને કુંડમાં 166 ગણપતિ બાપાની મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. તેમાં પણ શહેરના વિશાલ હોટલ પાસેના કૃત્રિમ કુંડમાં 133 અને સરદાર રિવેરામાં માત્ર 33 ગણપતિ બાપાની મુર્તિઓનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યું છે.