Gujarat

PMને ગાળો બોલવા મામલે ગુજરાત ભાજપ આક્રમક

બિહારમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે બનાવેલા મંચ પરથી મોહમ્મદ રિઝવી નામના વ્યક્તિએ પીએમ મોદીને ગાળો દીધી. આની સાથે ઘણા દિવસોથી શાંત રહેલી ભાજપ અચાનક આક્રમક થઈ ગઈ. રસ્તા પર ભાજપ કાર્યકર્તાઓ આક્રમક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

જ્યારે મંચ પરથી ગૃહમંત્રી અમિત શાહે આને ચૂંટણીનો રંગ આપતા કહ્યું, “જેટલી ગાળો પીએમ મોદીને આપશો, એટલું જ વધુ કમળ ખીલશે.” કોંગ્રેસનું કહેવું છે કે રાહુલની યાત્રાથી ધ્યાન હટાવવા માટે આ ભાજપનું ષડયંત્ર છે. ત્યારે હવે ગુજરાત ભાજપ પણ આ મામલે આક્રમક જોવા મળી રહ્યું છે અને વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે.

અમદાવાદ શહેર ભાજપ અને યુવા મોરચાએ એલિસબ્રિજ વિસ્તારમાં ટાઉનહોલ પાસે રાહુલ ગાંધીનું પૂતળું બાળી વિરોધ નોંધાવ્યો હતો. શહેર ભાજપ અને યુવા મોરચાના કાર્યકર્તાઓએ કોંગ્રેસ હાય હાય અને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા છતી થઈ ગઈ છે. બિહાર ખાતે કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિરુદ્ધ જે નિવેદન આપવામાં આવ્યું છે તેને ભાજપ વખોડી રહ્યું છે.