Gujarat

હત્યા અને મારામારી સહિતના ગુનાઓના આરોપીઓના ઘરે તપાસ હાથ ધરાઈ, છરી અને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારો મળ્યા

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યા, હત્યાનો પ્રયાસ મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ઘરે ઝોન 6 ડીસીપી દ્વારા સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

શહેરના વટવા, ઇસનપુર, મણીનગર, નારોલ, વટવા, જીઆઇડીસી, દાણીલીમડા અને કાગડાપીઠ વિસ્તારમાં મોડી રાત્રે કોમ્બિગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ઘરમાંથી અને પેટ્રોલિંગમાં અલગ-અલગ 10 જેટલા વ્યક્તિઓ પાસેથી છરી ચપ્પુ જેવા હથિયાર મળી આવતા પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવી દ્વારા તેમના તાબા હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એક જાન્યુઆરી 2025થી અત્યાર સુધી શરીર સંબંધી ગુના જેવા કે હત્યા, મારામારી, હત્યાનો પ્રયાસ વગેરે જેવા ગુનાઓમાં છરી, ચપ્પુ, તલવાર, ધારીયા, પિસ્તોલ જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવા આરોપીઓના ઘરે 30 ઓગસ્ટના રોજ રાત્રે સર ચોપરેશન કરવામાં આવ્યું હતું.

ઝોન 6 એલસીબી અને તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોના પીઆઇ અને પોલીસ કર્મચારીઓ દ્વારા કુલ 215 જેટલા આરોપીઓના ઘરે અને તેમના વાહનો વગેરે જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.