વડોદરામાં શાંતિ ડહોળવાના ઈરાદે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટના સોમવારે મોડી રાતે પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જતા રસ્તે, સિટી પોલીસ સ્ટેશનથી થોડે દૂર મદાર માર્કેટ પાસે બની હતી.
પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી, એક સગીર સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના પાછળ માફિયા ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વધુ ત્રણ આરોપીને ઓપરેશન સર્ચ હેઠળ રાજસ્થાન પોલીસે જયપુરથી દબોચ્યા છે.
નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિ સોમવારે(25 ઓગસ્ટ) મોડી રાતે માંડવી તરફ લઈ જવામાં આવી રહી હતી. રાત્રે અઢી વાગ્યાની આસપાસ મદાર માર્કેટ પાસે અજાણ્યા શખ્સોએ મૂર્તિ પર ઈંડા ફેંક્યા હતા. આ ઘટનાની જાણ યુવક મંડળના સભ્યોએ પોલીસને કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, સ્થિતિ પર કાબૂ મેળવ્યો અને તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસમાં ઈંડા ફેંકનારા બે આરોપીઓ, સૂફીયાન અને સહેજાદની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ દરમિયાન માફિયા ગેંગના એડમીન જુનેદ સિંધી સહિત ચાર અન્ય શખ્સોની સંડોવણી સામે આવી હતી. વધુ તપાસમાં સલમાન મન્સૂરીની ધરપકડ કરવામાં આવી, જ્યારે જુનેદ સિંધી, સમીર અને અનસનું લોકેશન રાજસ્થાનના અજમેરમાં હોવાનું જાણવા મળ્યું હતું.