પીએમ ના હસ્તે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા બિલ્ડિંગના કામનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ કેમ્પસનું જૂનું બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે, તેની જગ્યાએ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નવું બિલ્ડીંગ નિર્માણ પામશે.
રૂ. 525.10 કરોડના ખર્ચે 147617 ચોરસ મીટરમાં તૈયાર થનાર 8 માળના નવા હોસ્પિટલ બિલ્ડિંગમાં કુલ 2071 બેડ, 235 આઈ.સી.યુ. બેડ, ટ્રોમા સેન્ટર, ઈમરજન્સી વિભાગ, અદ્યતન ઓપેરશન થિયેટર, વિવિધ ઓ.પી.ડી, બ્લડ બેંક, આઈ.સી.યુ., ઈ.એન.ટી. વિભાગ, આંખનો વિભાગ, રેડિયોલોજી વિભાગ, માતૃબાળ અને પિડિયાટ્રીક વિભાગ, સર્જરી વિભાગ,મેડીસીન વિભાગ, હાડકાનો વિભાગ, અદ્યતન લેબોરેટરી, દરેક વિભાગના વોર્ડ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ વિભાગ જેમાં ન્યુરોલોજી, યુરોલોજી, કાર્ડિયાક, કાર્ડિયો થોરાસીસ અને નેફ્રોલોજી જેવા સુપર સ્પેશિયાલિટી વિભાગોનો સમાવેશ થાય છે.
40 મોડ્યુલર ઓપરેશન થિયેટર જેમકે ન્યુમેટિક ટ્યુબ સિસ્ટમ, સેન્ટ્રલ મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ, અદ્યતન ટેકનોલોજી સાથે, “લક્ષ્ય” અને એન એ બી એચ ના ધોરણોના પાલન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે.
જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિત આજુબાજુના જિલ્લાના દર્દીઓને એક જ જગ્યાએ અનેક આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થનાર છે. હોસ્પિટલ બિલ્ડિંગ બનતાની સાથે જ વર્તમાન દર્દીઓના ધસારા અને ભવિષ્યની જરૂરિયાતો પૂરી પાડશે.