જામનગરના લાલવાડી વિસ્તારમાં આજે પરોઢિયે એક ગેરેજ સંચાલક યુવાનની હત્યા થઈ છે. ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને લાલવાડીમાં ગેરેજ ચલાવતા 27 વર્ષીય અખ્તર રફિકભાઈ ખીરા નામના યુવાનને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હુમલો કરાયો હતો. લોહીલુહાણ હાલતમાં તેને જી.જી. હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ સીટી-એ ડિવિઝન પોલીસનો કાફલો, પી.આઇ. એન.એ. ચાવડા સહિત, ઘટનાસ્થળે અને જી.જી. હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
મૃતકના પિતા રફિકભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, તેમના પુત્રને એક શખ્સ સાથે અગાઉ વાંધો ચાલતો હતો, અને તેમને શંકા છે કે, તે શખ્સે જ આ હત્યા કરી છે. શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યા પૈસાની લેતીદેતી તેમજ રીક્ષાની લેતીદેતી બાબતે થઈ હોવાનું જણાય છે. પોલીસે હત્યારાને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવા સહિત ડી-સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.