Gujarat

ફટાકડાના લાઇસન્સ માટેના નિયમો હળવા કરાયા, 500 ચો.મી.થી ઓછી જગ્યામાં ફાયર NOC લેવામાંથી મુક્તિ

ભાદરવો માસ પૂરો થવાના આરે છે અને હવે આસો માસ આવતાં જ નવરાત્રિ અને દિવાળીના પર્વની ઉજ‌વણીનો માહોલ શરૂ થઇ જશે. દિવાળીના તહેવાર પર ફટાકડાના વેચાણ માટે પણ વેપારીઓ સજ્જ થઇ ગયા છે ત્યારે રાજ્ય સરકારે ફટાકડા માટેના ફાયર સેફ્ટીના એનઓસી માટે નવા નિયમો અમલી કર્યા છે.

જેમાં જે દુકાનો કે સ્ટોલ 500 ચો.મી.થી વધુ સાઇઝના હશે તેમણે જ ફાયર એનઓસી લેવું પડશે. જ્યારે 500 ચો.મી.થી નાની જગ્યા હશે તો ફાયર એનઓસી લેવું નહીં પડે, પરંતુ વેપારીઓએ સેલ્ફ ડેક્લેરેશન આપવું પડશે.

ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફ્ટીના કડક નિયમો બનાવવામાં આવ્યા હતા અને તેમાં પણ ફટાકડાના ફાયર સેફ્ટી માટે નવા નિયમો અમલી કરાયા હતા, પરંતુ આ નવા નિયમોથી મહાનગરપાલિકા અને નગરપાલિકાના ફાયર વિભાગને ભારે દોડધામ કરવી પડતી હતી અને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.

તેમજ નાના વેપારીઓને પણ ફાયર એનઓસી માટે હેરાન પરેશાન થવું પડતું હતું. જે બાબતે રજૂઆતો થયા બાદ નવી ફાયર સેફ્ટીની નીતિ અમલી કરવામાં આવી છે.