ચોમાસાની સીઝન પૂરી થયા બાદ રાજકોટ મનપા દ્વારા શહેરના રસ્તાઓ પર ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 13માં પણ પેચવર્કનું કામ ચાલી રહ્યું છે.પરંતુ આ કામની ગુણવત્તા પર સવાલ ઉઠાવતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્વામિનારાયણ ચોકમાં થયેલા પેચવર્કના કામમાં જ એક યુટિલિટી વાહન ફસાયું હોવાનું જોવા મળે છે. પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે આ કામમાં મોટી બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને વિરોધ પક્ષના આગેવાનોએ આ મામલે તંત્રને જવાબદાર ગણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના વોર્ડ નંબર 13માં સ્વામિનારાયણ ચોક વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડા પૂરવા માટે પેચવર્કનું કામ કરવામાં આવ્યું હતું. જોકે, આ કામમાં ભારે બેદરકારી જોવા મળી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ડામરનું કામ થયા બાદ એક યુટિલિટી વાહન ત્યાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેનાં ટાયર નવા પાથરેલા ડામરમાં જ અંદર ઘૂસી ગયું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ ઘટના બાદ પૂર્વ કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસામાં લોકો ખાડાઓને કારણે ભારે પરેશાન થયા હતા. હવે જ્યારે મનપા દ્વારા ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે તેમાં પણ ભ્રષ્ટાચાર અને બેદરકારી થઈ રહી છે. સ્વામિનારાયણ ચોકમાં પેચવર્કનું કામ માત્ર એક દિવસ પહેલા જ થયું છે. પરંતુ તેની નીચે મેટલિંગનું કામ કરવામાં આવ્યું નથી. ખાલી ડામર પાથરી દેવામાં આવ્યો છે. જેના કારણે યુટિલિટી વાહન ફસાયું છે.