Gujarat

મિગ-21: છ દાયકાની સેવા પછી હવે આકાશમાંથી વિદાય

આવતી કાલે સાંજે જ્યારે શિવાલિક પર્વતો પર સૂર્યાસ્ત થશે ત્યારે ચંદીગઢ એરફોર્સ સ્ટેશન પરથી મિગ-21ના એન્જિનની ગર્જના અંતિમ વખત સંભળાશે. છેલ્લા છ દાયકાથી આ અવાજ ભારતની સેનાનું ધબકતું હૃદય હતો. આવતીકાલે ભારતીય વાયુસેના (IAF) તેના સૌથી પ્રસિદ્ધ ફાઇટર વિમાનને સત્તાવાર રીતે નિવૃત્ત કરશે.

વર્ષ હતું 1963. ચીન સામેના 1962ના યુદ્ધ બાદ ભારતને હવાઇ શક્તિમાં નોંધપાત્ર વધારો કરવાની જરૂર હતી. જવાબ મળ્યો મોસ્કોથી – Mikoyan-Gurevich MiG-21, એક સુપરસોનિક ઇન્ટરસેપ્ટર જે IAF એ ક્યારેય જોયું નહોતું એટલું ઝડપી હતું. ડેલ્ટા વિંગવાળું આ વિમાન તેની ઝડપ અને ચપળતાથી ભારતની વાયુસેનાની તાકાત તરીકે તરત જ પ્રસિદ્ધ થયું.

સોવિયેત યુનિયનની બહાર મિગ-21 ચલાવનાર ભારત પ્રથમ દેશ હતો. હવાઈ દળમાં ક્રમશ: 900 જેટલા વિમાનો ભારતે સામેલ કર્યા, જેમાંથી ઘણા હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવાયા. યુવા વાયુસૈનિકો માટે મિગ-21 માત્ર વિમાન નહોતું – તે તેમની પાઇલટિંગ સફરની પ્રથમ કસોટી હતું.

મિગ-21ની ખરી પ્રતિષ્ઠા યુદ્ધોમાં જ નિખરી. 1971ના ભરત-પાક યુદ્ધમાં તેણે પાકિસ્તાનના એફ-104 સ્ટારફાઇટર અને એફ-86 સેબર વિમાનોને પછાડી ભારતને આકાશમાં સર્વોપરિતા અપાવી હતી અને પોતાની જાતને વિજયનો પર્યાય સિધ્ધ કર્યો હતો.

પછી 1999ના કારગિલ યુદ્ધમાં પણ મિગ-21નો ઉપયોગ પર્વતીય વિસ્તારમાં ગ્રાઉન્ડ એટેક મિશન માટે થયો. 2019ના બાલાકોટ સંઘર્ષ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનના મિગ-21 બાઇસને પાકિસ્તાની એફ-16ને પછાડ્યું – એક એવો સિદ્ધિપ્રસંગ જેણે સાબિત કરી બતાવ્યું કે જૂનું વિમાન પણ આધુનિક યુદ્ધમાં અસરકારક રહી શકે છે.

IAFએ વિદાય સમારોહ માટે ચંદીગઢ એરફોર્સ સ્ટેશન પસંદ કર્યું, કારણ કે અહીં મિગ-21 ચલાવતું છેલ્લું યુનિટ 23 સ્ક્વોડ્રન “પેન્થર્સ” છે.દાયકાઓ સુધી આ શહેર વિમાનની કામગીરી અને તાલીમ માટેનું કેન્દ્ર રહ્યું છે.

આ ઐતિહાસિક પ્રસંગે અંતિમ ઉડાન ભરવાનું માન સ્ક્વોડ્રન લીડર પ્રિયા શર્માને મળશે. તેમના “સનસેટ સોર્ટી” સાથે મિગ-21નો અધ્યાય સમાપ્ત થશે. પરંતુ આ માત્ર એન્જિન બંધ કરવાની ક્ષણ નહીં હોય – એવા તમામ પાઇલટ્સને સલામ હશે જેમણે આ વિમાન સાથે ઉડાન ભરી હતી અને એવા પાઈલોટ્સને શ્રધ્ધાંજલિ કે જેમણે આ વિમાન ઉડાવતાં જ પોતાના જીવનનું બલિદાન આપ્યું કર્યું હતું.

મિગ-21ની કથામાં ગૌરવ સાથે દુ:ખ પણ જોડાયેલું છે. અનેક અકસ્માતોને કારણે તેને “ફ્લાઈંગ કૉફિન” ઉપનામ મળ્યું હતું. અનેક યુવા પાઇલટ્સે એમાં પોતાનું જીવન ગુમાવ્યું. જો કે પીઢ પાઇલટ્સનો મત જુદો છે – તેમના મતે મિગ-21 એક શ્રેષ્ઠ ઘોડા જેવું વિમાન હતું, જેને સંભાળવા માટે વધુ સાવચેતી અને કુશળતા જરૂરી હતી.

મિગ-21ના નિવૃત્તિ સાથે IAF હવે ભારતીય બનાવટના તેજસ Mk-1A તરફ આગળ વધી રહી છે. આ માત્ર વિમાનનો બદલાવ નથી, પરંતુ ભારતની ટેક્નોલોજીકલ સ્વાવલંબનની દિશામાં લીધેલું મહત્વપૂર્ણ પગલું છે.
આવતીકાલે ચંદીગઢના આકાશે સંભળાનાર મિગ-21નું અંતિમ ગર્જન માત્ર વિમાનની નિવૃત્તિ નથી – તે ભારતના સૈનિક ઇતિહાસનો એક અધ્યાય પૂર્ણ થવાનો સંકેત છે.

મિગ-21 માત્ર લડાકૂ વિમાન નહોતું. તે યુદ્ધમાં સાથી હતું, શાંતિના સમયમાં શિક્ષક હતું, અને સરહદોની રક્ષા કરતું મૌન રક્ષક હતું.

છ દાયકાથી વધુ સમય સુધી, તેણે ભારતના આકાશને સુરક્ષિત રાખ્યું અને પાઇલટ્સની પેઢીઓને પ્રેરણા આપી. હવે ભલે તે ઉડાન નહીં ભરે , પરંતુ મિગ-21 હંમેશાં યાદ રહેશે – એક વિમાન નહીં, પણ દંતકથા તરીકે.