Gujarat

ગરબાના નામે અશ્લીલતાનો વિરોધ, ભગવા સેનાએ કિંજલ દવે સામે પણ અરજી કરી

ગુજરાતમાં નવરાત્રિના પર્વ દરમિયાન ગરબાના સ્થળો પર અશ્લીલ વીડિયો અને રીલ્સ બનાવવાનો મુદ્દો જોરદાર રીતે ગરમાયો છે. આ મામલે ભગવા સેનાના પ્રમુખ કમલ રાવલે આક્રોશ વ્યક્ત કરતા સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે, ‘ગરબા એ માત્ર મનોરંજન માટે કે સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને પ્રસારિત કરવા માટે નથી.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગરબા એ સનાતન ધર્મની સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે. કમલ રાવલે ચેતવણી આપી છે કે, સનાતનના નામે થતી કોઈપણ પ્રકારની અશ્લીલતા કે અયોગ્ય પ્રવૃત્તિને ભગવા સેના ક્યારેય સાંખી નહીં લે. તેમણે આ મુદ્દે તાત્કાલિક પોલીસ અને ગૃહ વિભાગને કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.

અશ્લીલતા ન રોકાય તો ગરબા બંધ કરાવાશે

ભગવા સેનાના પ્રમુખ કમલ રાવલે ગરબામાં વધી રહેલા અશ્લીલ કન્ટેન્ટના નિર્માણ સામે તંત્રને સીધી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો પોલીસ અને ગૃહ વિભાગ આ પ્રકારની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ નહીં લાવે, તો ભગવા સેના દ્વારા ગરબાનું આયોજન થવા દેવામાં નહીં આવે. આ ઉપરાંત, તેમણે પાર્ટી પ્લોટના ગરબાનો બહિષ્કાર કરવાની પણ અપીલ કરી છે, જ્યાં સંસ્કૃતિના નામે માત્ર વ્યાપારીકરણ અને અયોગ્યતા જોવા મળે છે. તેમના મતે, પાર્ટી પ્લોટના ગરબામાં સંસ્કૃતિના ધોરણો જાળવવામાં આવતા નથી, અને તેથી જ સમાજે તેનો બહિષ્કાર કરવો જરૂરી છે. આ નિવેદનથી સમગ્ર ગુજરાતના ગરબા આયોજકોમાં હલચલ મચી ગઈ છે.

લોકગાયિકા કિંજલ દવે વિરુદ્ધ અરજી

કમલ રાવલે આ વિવાદમાં ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ દવેનું નામ પણ લીધું છે. તેમણે જણાવ્યું કે ગરબાના માહોલને બગાડવા બદલ કિંજલ દવે વિરુદ્ધ પણ ભગવા સેના દ્વારા અરજી કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે આ મુદ્દો સામે આવ્યા બાદ પણ કિંજલ દવે દ્વારા હજી સુધી જાહેરમાં માફી માંગવામાં આવી નથી, જે ગેરવ્યાજબી છે. કમલ રાવલનું કહેવું છે કે જો જવાબદાર કલાકારો પણ સંસ્કૃતિનું જતન નહીં કરે, તો યુવાનોમાં ખોટો સંદેશ જશે. ભગવા સેનાના આ આક્રમક વલણ બાદ હવે પોલીસ અને ગૃહ વિભાગ ગરબાના સ્થળો પર કેવી કાર્યવાહી કરે છે, તેના પર સૌની નજર ટકેલી છે.