Gujarat

ગાંધીનગરમાં વહેલી સવારે વોકિંગમાં નીકળેલા વૃદ્ધા પર હુમલો, 1.75 લાખનો સોનાના દોરાની ચીલઝડપ કરી લૂંટારૂ ફરાર

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સવારના સમયે ચાલવા નીકળેલા એક 62 વર્ષીય વૃદ્ધાને નિશાન બનાવી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો સોનાના દોરાની લૂંટ કરીને ફરાર થઈ ગયા છે. લૂંટારુઓએ વૃદ્ધાને ધક્કો મારી નીચે પાડી દઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના રાંદેસણના બાલમુકુંદ રિફ્લેક્ટ સોસાયટીમાં રહેતા સરોજબેન અરવિંદભાઈ શર્મા આજે સવારે 6.30 વાગ્યે ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા.

સવારે આશરે 7.30 વાગ્યાના અરસામાં તેઓ ધોળાકુવા મેટ્રો સ્ટેશનથી એસ.એમ.વી.એસ તરફ જતાં રોડ પરથી પોતાની સોસાયટી તરફ ડાબી બાજુ વળી આશરે 50 મીટર આગળ આવ્યા હતા. તે જ વખતે પાછળથી આશરે 25 વર્ષની ઉંમરનો એક યુવકે આવીને જોરથી ધક્કો માર્યો હતો .જેના કારણે સરોજબેન રોડ પર પડી ગયા હતા.

તેઓ નીચે પડી જતાં જ યુવકે તેમના ગળામાં પહેરેલો દોઢ તોલા વજનનો સોનાનો દોરો લૂંટી લીધો હતો.આ ઘટનાથી ગભરાઈ ગયેલા સરોજબેને બૂમાબૂમ કરતાં લૂંટારૂ યુવક ધોળાકુવા મેટ્રો સ્ટેશન તરફ ભાગ્યો હતો. ત્યાં આગળ એક કાળા કલરની મોટરસાઇકલ લઈને ઊભેલા તેના સાથીદાર સાથે તે બાઇક પર બેસીને ફરાર થઈ ગયો હતો.