વરસાદે ખલૈયાઓની મજા બગાડી, ગરબાના આયોજકોની ચિંતામાં વધારો
ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ ૧૧૧ ટકા વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૭ તાલુકામાં વરસાદ વરસ્યો હતો.
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે રવિવારે (૨૮ સપ્ટેમ્બર) સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૫૭ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં ૪.૧૭ ઇંચ વરસાદ ખાબક્યો છે.
નર્મદાના દેડીયાપાડામાં ૩.૯૮ ઇંચ, સુરતના ઉમરપાડા અને વલસાડાના કપરાડા અને ઉમરગામમાં ૩-૩ ઇંચ, ભરૂચના ઝઘડિયા અને ભરૂચમાં અનુક્રમે ૨.૮૭ અને ૨.૮૩ ઇંચ, દાહોદના દેવગઢ બારિયા, ડાંગના સુબિર, સુરતના માંગ્રોલ, કામરેજ તાલુકામાં ૨-૨ ઇંચ વરસાદ થયો છે. જ્યારે ૪૬ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
વરસાદના કારણે પાર્કિંગ તેમજ અન્ય વિસ્તારમાં પાણી ભરાવવાના કારણે રવિવારના ગરબા રદ કરવમ આવ્યા હતા. ગરબા ગ્રાઉન્ડ પર પ્લાસ્ટિક પાથરી ગ્રાઉન્ડ બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ખેલૈયાઓને મુશ્કેલીના પડે તે માટે આયોજકોએ આ ર્નિણય લીધો છે.
વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે. ત્યારે આજે વડોદરામાં યુનાઈટેડ-વે, ન્ફઁ, ફદ્ગહ્લ, લક્ષ્મીવિલાસ પેલેસ સહિતના ગરબા રદ કરાયા છે. સુરતના કીમમાં મૈત્રી ગ્રુપના આજના ગરબા રદ કરાયા છે. જ્યારે અમદાવાદમાં કર્ણાવતી ક્લબ, ગોકુલ રસ ગરબા, અમદાવાદ નો ગરબો તેમજ બીજા ઘણા બધા ગરબા રદ કરાયા હતા.
નવસારીના ચીખલી તાલુકામાં ભારે પવન અને વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. મિની વાવાઝોડાના કારણે સરકારી અનાજ ગોડાઉનના પતરાં ઉડી ગયાં હતા. વરસાદમાં અનાજ પલળી જતાંમોટી માત્રામાં નુકસાન થયું છે. ભારે પવનના કારણે ચીખલી તાલુકાના તલાવચોરા ગામમાં આવેલા રાજા ફળિયામાં અનેક ઘરોના પતરા ઉડ્યા હતા. આટલું જ નહીં ગામમાં રહેતા અનેક લોકોના ઘર પર લગાવવામાં આવેલ સોલાર પેનલ પણ તૂટીને નીચે પડી ગઇ હતી. ભારે પવન ફુકાતા રસ્તા ઉપર ઝાડ પડતા માર્ગ બંધ થયો હતો. જ્યારે પવનના કારણે પતરું ઉડીને મહિલાના માથાના ભાગે વાગતા તેને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં રાતે ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા વલસાડ જિલ્લાને મેઘરાજા એ ઘમરોળ્યું હતું. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હતી જેને કારણે વાહન ચાલકોની વાહન ચલાવવામાં તકલીફ પડી હતી. સાથે જ વીજળી પડતા અનેક વિસ્તારોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. તો બીજી તરફ વલસાડના ધરમપુર રોડ ઉપર વીજળીનો થાંભલો તૂટી પડતા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ઘણી જગ્યાઓએ ઝાડ પડતા લોકોને અવરજવરમાં તકલીફ પડી હતી. સરદાર હાઈટ સોસાયટીમાં નવરાત્રી આયોજનમાં નાસ્તાના સ્ટોલ અને શેડ તૂટી પડવાની ઘટના પણ બની હતી જેમાં પાર્કિગમાં મુકેલ ગાડીઓને ભારે નુકશાન પહોંચ્યું હતું.
ડાંગ જિલ્લામા ફરી વ્યાપક મેઘગર્જના અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા, જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. સાથે જ સૌ પ્રજાજનોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામા આવી છે.જિલ્લા કલેકટર શાલિની દુહાનનીએ વરસાદની આગાહીને પગલે સંબંધિત વિભાગોએ રાઉન્ડ ધ ક્લોક ટીમોને તૈનાત કરી છે. દરમિયાન જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે નદી કિનારાના, નીચાણવાળા અને હેઠવાસના વિસ્તારો સાથે સતત સંપર્ક જાળવવા તંત્ર એ અપીલ કરી છે.