સંતો પરમ હિતકારી હોય છે, તેમની નિશ્રાથી પરમ મોક્ષની પ્રાપ્તિ મળે છે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના જીએમડીસી ઓડિટોરિયમ ખાતે ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આયોજિત ‘ગુણાનુવાદ સભા‘માં ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે સાધુ ભગવંતો તેમજ સાધ્વીજીઓના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં સંતોને પરમ હિતકારી કહ્યા છે.
જૈન સમાજમાં નાની ઉંમરે ભૌતિક સુખો અને વૈભવનો ત્યાગ કરીને દીક્ષા લઈને સંત પરંપરાને અનુસરનારાઓને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા.
તેમણે મોક્ષની પ્રાપ્તિ માટે સંતોની નિશ્રાને મહત્ત્વની સીડીરૂપ ગણાવી હતી તેમજ સંતોના સમાજ અને ધર્મ પ્રત્યેના યોગદાનને બિરદાવીને તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ઉપસ્થિત આચાયર્શ્રીઓના આશીર્વાદ રાજ્યના વિકાસ અને સૌના કલ્યાણ માટે પ્રાપ્ત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભક્તામર દર્શન, ભક્તામર સ્તોત્ર, નવકાર મંત્ર સહિત વિવિધ ચાર ગ્રંથોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા ગૌવંશ માટે લેવાયેલા ઉચિત ર્નિણયો માટે સાધુ ભગવંતો તેમજ ઉપસ્થિતો દ્વારા મુખ્યમંત્રીશ્રીની અનુમોદના કરી, પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આચાર્ય મનોહરકીર્તિ મ.સા., આચાર્ય વિતરાગયશ મ.સા., શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ ઉપરાંત રાજ્ય તથા સમગ્ર દેશમાંથી પધારેલાં સાધુ-સાધ્વીજીઓ તેમજ વિવિધ જૈનસંઘોના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.