Gujarat

જામનગર : CA Alkesh Pedhadia નું RS 560 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ અને RS 112 કરોડની કરચોરી

રાજ્ય જીએસટી (ગુજરાત રાજ્ય માલ અને સેવા કર (SGST) વિભાગ)એ સતત છ દિવસ સુધી જુદી જુદી વ્યાપારી પેઢીઓ-એકમોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયાના કેન્દ્રમાં આચરવામાં આવેલ ૫૬૦ કરોડના બોગસ બિલિંગ અને રૂપિયા 100 કરોડથી વધુની કરચોરીનો પર્દાફાશ કર્યો છે.

જામનગરની બાંધકામ, મેટલ, મોટી મશીનરી હાયર કરતી અને સરકારી કોન્ટ્રાકામ કરતી પેઢીઓ પર સામુહિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જુનાગઢ ડીવીજનની જુદી જુદી ૨૭ ટીમો દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીને જામનગરમાં જીએસટીના ઇતિહાસની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. તો બીજી તરફ સીએ અલ્કેશ પેઢડીયા જેના એકાઉન્ટ સંભાળે છે તે પેઢી ધારકો પૈકી વધુ એક પેઢી ધારકે રૂપિયા ૩.૭૦ કરોડનો વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ દાખલ કરી છે.

કેટલી ટીમ દ્વારા કયાં અને કેમ કાર્યવાહી ?

જામનગરમાં મોટી કરચોરી સાથે આઇટીસી ( ઇનપુટ ટેક્સ ક્રેડીટ મેળવી) કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની રાજ્ય જીએસટી વિભાગને સ્થાનિક અને ગુપ્ત રીતે મળેલ ઈનપુટના પગલે ૩ ઓકટોબર, 2025ના રોજ રાજ્યભરમાં કુલ 25 સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ મુખ્ય આરોપી એવા સીએ અલ્કેશ પેઢડીયા ભાગીદાર વાળી BRAHM Associates નામની CA ફર્મની ઓફિસ તેમજ તેના રહેઠાણ તેમજ શહેરના અન્ય સ્થળોએ આવેલ જુદા જુદા એકમો-ફર્મની ઓફીસ-પેઢીઓ પર કુલ ૨૭ ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સતત છ દિવસ સુધીની કાર્યવાહીમાં 14 બોગસ (Non-Genuine Taxpayer NGTP) પેઢીઓની સંડોવણી બહાર આવી છે, જેઓ માલની ફીઝીકલ મુવમેન્ટ વિના ફક્ત ઇન્વોઇસ બનાવીને ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો દાવો કરતા હતા.

પેઢી ધારકોના નિવેદનોમાં સીએની જ સંડોવણી આવી સામે

પ્રારંભિક તપાસ અને તપાસ સંબંધિત પેઢીઓના માલિકોના નિવેદનોમાં એ સ્પષ્ટ થયું છે કે, આવી અનેક પેઢીઓ CA અલ્કેશ પેઢડીયા દ્વારા ચલાવવામાં આવતી હતી. વધુમાં, કેટલાક કેસોમાં, ખરેખર અસ્તિત્વ ધરાવતા કરદાતાઓના GSTIN કેડેન્શિયલ્સનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આવા કરદાતાઓએ તપાસ દરમિયાન જણાવ્યું છે કે તેઓ CA અલ્કેશ પેઢડીયા દ્વારા GST Compliance Services ના બહાને વિશ્વાસઘાત અને છેતરપિડીનો ભોગ બન્યા છે અને તેઓએ પોલીસ ફરિયાદ (FIR) નોંધાવવાનો નિર્ણય કરેલ છે.

કેવી રીતે આયરવામાં આવ્યું સમગ્ર કૌભાંડ?

તપાસ દરમ્યાન ખોટા ઇન્વોઇસ અને નાણાકીય રેકોર્ડમાં ગેરરીતિના પુરાવા મળ્યા છે, તેવા કેટલાક દસ્તાવેજો, કમ્પ્યુટર અને અન્ય ડિજિટલ સ્ટોરેજ ડીવાઇસીસ જપ્ત કરવામાં આવેલ છે. પ્રાથમિક વિશ્વેષણમાં વિવિધ બેંક ખાતાઓ મારફતે નાણાકીય વ્યવહારોના અનેક ક્ષતિઓ જોવા મળ્યા છે, જે ખુબ જટિલ ફંડ ડાયવર્ઝન મિકેનિઝમ તરફ ઇશારો કરે છે, આ કાર્યવાહી દરમિયાન ૨૧ પૈકીની કેટલીક પેઢીઓએ વિભાગ દ્વારા વેરાકીય જવાબદારીનો સ્વીકાર કરી લાગુ પડતા વ્યાજ તથા દંડ સાથે રકમ ભરપાઈ કરવાની બાહેંધરી આપેલ છે.

1. બોગસ ટ્રાન્ઝેકશન: રૂપિયા 560 કરોડના બોગસ વ્યવહારોની ઓળખ, જેમાં અંદાજિત રૂપિયા 112 કરોડની કરચોરી.

2. ITC બ્લોકેજ અને એકાઉન્ટ ફીઝિગ: મળવાપાત્ર ન હોય તેવી રૂપિયા 4.62 કરોડની ITC બ્લોક કરી, રૂપિયા એક કરોડથી વધુ જમા રાશી વાળા બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે.

3. મિલકતો પર ટાંચ : સરકારી આવકના રક્ષણ માટે આશરે રૂપિયા 36 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો પર તાત્કાલિક ધોરણે ટાંચ મુકવામાં આવી છે.

4. વેરાની વસુલાત: કેટલીક પેઢીઓએ વિભાગ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ વેરાકીય જવાબદારીનો સ્વીકાર કરી લાગુ પડતા વ્યાજ તથા દંડ સાથે રકમ ભરપાઇ કરવાની બાહેંધરી આપેલ છે.

5. કાયદાકીય કાર્યવાહી: તપાસ હેઠળના 25 કરદાતાઓમાંથી 14 બોગસ પેઢીઓ (NGTP) હોવાનું જણાયું છે; સરકારી આવકના રક્ષણ માટે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સીએ અલ્પેશ પેઢડીયા સામે લુક આઉટ નોટીશ

મુખ્ય આરોપી CA અલ્કેશ પેઢડીયાને અનેક સમન્સ આપવા છતાં, તપાસ અધિકારીઓ સમક્ષ હાજર ન થયા, જેના ધ્યાને લેતા તે દેશ છોડીને ભાગી ન જાય તે માટે લુક આઉટ સર્ક્યુલર (LOC) પણ ઇસ્યુ કરવામાં આવેલ છે. તેને હાજર કરવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. ગુજરાત SGST વિભાગ બોગસ ઇન્વોઇસિંગ, ખોટા ITC દાવા તથા GST નોંધણીના દુરુપયોગ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તેની “Zero-tolerance” ની નીતિ પર અડગ છે. વિભાગ આવા તમામ વ્યક્તિઓ, વ્યાવસાયિકો તથા વ્યવસાયિક સંસ્થાઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરશે, જેમાં કાયદેસરની કાર્યવાહી ભારે દંડ લાદવો તથા મિલકતો પર ટાંચ જેવી કાર્યવાહીનો સમાવેશ થાય છે.

જામનગરમાં સંખ્યાબંધ વેપારીઓ-પેઢીધારકોની પેઢીઓના બેંક એકાઉન્ટનો જે તે વેપારીની જાણ બહાર ઉપયોગ કરી સીએ અલ્કેશ પેઢડીયા વર્ષોથી બોગસ બિલીંગ કૌભાંડ આચરતો હોવાના લાગત પેઢી ધારકો આરોપ લગાવી રહયા છે. ગઈ કાલે ધરતી એન્ટરપ્રાઈઝ નામની પેઢીના માલિક દ્વારા નોંધાવવામાં આવેલ વિશ્વાસઘાતની ફરિયાદ બાદ શ્રુતિ એન્ટરપ્રાઈઝ નામની વધુ એક પેઢી ધારક સંજયભાઇ રસીકભાઇ ચિતારા (રહે-પટેલ પાર્ક, શેરી નંબર-૨, પંપ હાઉસ પાછળ રણજીતસાગર રોડ,જામનગર) વાળાએ ફરિયાદ નોંધાવી છે

જેમાં સીએ અલ્કેશ પટેલએ વેપારીની જાણ બહાર વર્ષ ૨૦૧૮થી ૨૦૨૫ સુધીના ગાળા દરમિયાન પેઢીના GST પોર્ટલ ઉપર ભરવાપાત્ર રીટર્નમાં ખરીદ વેચાણ ના ખોટા બીલો બતાવી આશરે રૂપીયા ૩,૭૦,૦૦,૦૦૦ (ત્રણ કરોડ સીતેર લાખ )ની વેરા શાખ જાણ બહારનો ઉલ્લેખ કરી,ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.