તા. ૧૦/૧૦/૨૦૨૫
વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત ‘વિકાસ પદયાત્રા’નું સફળ આયોજન
ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રી, જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિકાસ પદયાત્રાને પ્રસ્થાન કરાવી
શક્તિનાથ સર્કલથી માતરિયા તળાવ સુધીના રૂટ પર સૌએ સ્વદેશીના સૂત્રોચ્ચાર દ્વારા પોતાનો સંદેશ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડ્યો
જનવિકાસ, જનવિશ્વાસના સમર્થન થકી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે સેવા આપતા ગુજરાતને સુશાસિત અને વિકસિત બનાવ્યું – ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રી
ભરૂચ – શુક્રવાર- ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શક્તિનાથ સર્કલથી માતરિયા તળાવ ખાતે ‘વિકાસ પદયાત્રા’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રી, જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
મહાનુભાવોએ લીલીઝંડી આપી પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ હાથમાં વિકાસના સૂત્રો ધરાવતા બેનરો સાથે ઉત્સાહભેર ભાગ લઈને પદયાત્રાને જીવંત બનાવી હતી. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના વિકાસના અવિરત પ્રવાહમાં લોકોને જોડવાનો તેમજ સ્વચ્છતા અને ‘વોકલ ફોર લોકલ’ જેવા મહત્વના મુદ્દે જનજાગૃતિ ફેલાવવાનો હતો. ‘વોકલ ફોર લોકલ’ દર્શાવતા પોસ્ટર, બેનર અને પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
તમામ મહાનુભાવો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ વિકાસ રથ સાથે આ પદયાત્રામાં જોડાયા હતા. શક્તિનાથ સર્કલથી માતરિયા તળાવના સુધીના રૂટ પર સૌએ સ્વચ્છતા અને સ્વદેશીના સૂત્રોચ્ચાર દ્વારા પોતાનો સંદેશ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડયો હતો. ત્યાર બાદ માતરિયા તળાવ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૪ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની ભરૂચમાં ઉજવણી થઇ રહી છે, વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે શહેરીજનોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી
હતી.
આ પ્રસંગે શ્રી રમેશ મિસ્ત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ૭ ઑક્ટોબરના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું જનવિકાસ, જનવિશ્વાસના સમર્થન થકી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે સેવા આપતા ગુજરાતને સુશાસિત અને વિકસિત બનાવ્યું છે. આ જ વિકાસ ગાથાની ઉજવણી રૂપે આપણે વિકાસ સપ્તાહ મનાવી રહ્યા છીએ. આ વિકાસ સપ્તાહને સૌએ સાથે મળીને ઉજવવાનો તેમણે અનુરોધ કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીજીએ સ્વદેશીનો મંત્ર આપ્યો અને વડાપ્રધાન શ્રી મોદીએ તેને અપનાવ્યો છે. જો આપણે દેશમાં બનેલી વસ્તુઓની જ ખરીદી કરીશું, તો તેનાથી દેશના લોકોને જ લાભ થશે અને દેશના પૈસા દેશમાં જ રહેશે. આ રીતે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ પણ દેશ મજબૂત બનશે. આથી, આપણે સૌએ આજે સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. આ ઉપરાંત, તેમણે સ્વચ્છતા અંગે પણ સભાન થઈને આપણું ઘર, આપણો મહોલ્લો અને સમગ્ર દેશ સ્વચ્છ રહે તેની કાળજી લેવા પર ભાર મૂક્યો હતો.
આ આયોજનમાં જિલ્લા અગ્રણી. અન્ય વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતાં…… ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ…