International

હમાસ સાથે યુદ્ધવિરામ કરાર વચ્ચે ઇઝરાયલે બંધકોની અદલાબદલીમાં મુક્ત થનારા ૨૫૦ કેદીઓની યાદી પ્રકાશિત કરી

ઇઝરાયલના ન્યાય મંત્રાલયે શુક્રવારે હમાસ સાથેના યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે ગાઝામાં બંધકોના બદલામાં મુક્ત થનારા ૨૫૦ કેદીઓની યાદી પ્રકાશિત કરી.

આ યાદીમાં પ્રતિકારના પ્રતીક તરીકે જાેવામાં આવતા અને હમાસે જેમની મુક્તિની માંગણી કરી છે તેવા ઘણા વરિષ્ઠ પેલેસ્ટિનિયન આતંકવાદી નેતાઓના નામ શામેલ નથી.

ઇઝરાયલી જેલોમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેટલાક પેલેસ્ટિનિયન નેતાઓમાં મારવાન બરઘૌતી, અહમદ સદાત, હસન સલામેહ અને અબ્બાસ અલ-સૈયદનો સમાવેશ થાય છે.

બરઘૌતી, જેને ૨૦૦૪ માં હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને ઇઝરાયલ દ્વારા તેને આતંકવાદી માનવામાં આવે છે, તેને સમર્થકો દ્વારા ક્યારેક “પેલેસ્ટિનિયન મંડેલા” તરીકે વર્ણવવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત ૨૦-પોઇન્ટ યોજનાના આધારે, ઇઝરાયલ અને હમાસ ગાઝા યુદ્ધવિરામના પ્રથમ તબક્કા અને બંધક-કેદી વિનિમય કરાર પર સંમત થયા છે.

યોજના મુજબ, ઇઝરાયલ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ હમાસના ઇઝરાયલ પરના હુમલા બાદ યુદ્ધ શરૂ થયા પછી અટકાયતમાં લેવામાં આવેલા ૨૫૦ કેદીઓને અને લગભગ ૧,૭૦૦ ગાઝાવાસીઓને મુક્ત કરશે.

બદલામાં, હમાસ બે વર્ષ પહેલાં હુમલા દરમિયાન અપહરણ કરાયેલા ૨૫૧ બંધકોમાંથી હજુ પણ ૪૭ બંધકોને સોંપશે. ૨૦૧૪ થી ગાઝામાં રાખવામાં આવેલા વધુ એક બંધકના અવશેષો પણ પરત કરવામાં આવે તેવી અપેક્ષા છે.