Gujarat

વેરાવળમાં બંધ જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી

વેરાવળ શહેરના હાર્દસમા ગણાતા સટ્ટા બજાર વિસ્તારમાં લોહાણા વંડી નજીક આવેલા એક બંધ અને જર્જરિત મકાનની આગળની દિવાલ ગત મોડીરાત્રે અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. દિવાલનો મોટો કાટમાળ સીધો મુખ્ય માર્ગ પર પડતાં બજારને જોડતો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને વાહનવ્યવહાર તેમજ લોકોની અવરજવર પર અસર પહોંચી હતી. જોકે ઘટના મોડી રાત્રે બનતા સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નહોતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ધરાશાયી થયેલું મકાન લાંબા સમયથી બંધ હાલતમાં હતું અને તેની દિવાલો અત્યંત જર્જરિત બની ગઈ હતી. ભારે વરસાદ અને સતત ભેજના કારણે દિવાલ નબળી પડી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. દિવાલ પડતાં જોરદાર ધડાકો સંભળાતા આસપાસના રહેવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે કાટમાળનો મોટો ઢગલો સર્જાતા સમગ્ર વિસ્તાર થોડા સમય માટે અવરોધાઈ ગયો હતો.

જે સ્થળે દિવાલ તૂટી પડી તે માર્ગ શહેરના સૌથી વ્યસ્ત બજાર વિસ્તારોમાંનો એક હોવાથી દિવસ દરમિયાન અહીં વાહનો અને રાહદારીઓની ભારે અવરજવર રહેતી હોય છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે જો આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો અનેક લોકો કાટમાળ નીચે દટાઈ જવાની અથવા ગંભીર અકસ્માત સર્જાવાની સંભાવના હતી. તેથી ઘટના રાત્રિના સમયે બનવી સદનસીબ માનવામાં આવી રહી છે.