International

બાંગ્લાદેશના ઢાકામાં એક કપડાની ફેક્ટરી, કેમિકલ વેરહાઉસમાં ભીષણ આગ; ૯ લોકોના મોત અને ૮ ઘાયલ

સ્થાનિક મીડિયા સુત્રોના અહેવાલ મુજબ, મંગળવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક કપડાની ફેક્ટરી અને એક કેમિકલ વેરહાઉસમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે અને આઠ અન્ય ઘાયલ થયા છે. રાજ્ય સંચાલિત મ્જીજી ન્યૂઝ એજન્સી અનુસાર, ઢાકાના મીરપુર વિસ્તારમાં એક કપડાની ફેક્ટરી અને એક કેમિકલ વેરહાઉસ ધરાવતી બે ઇમારતોમાં આગ લાગી હતી.

બંગાળી ભાષાના દૈનિક પ્રથમ આલોના અહેવાલ મુજબ, ફાયર ફાઇટરોએ ફેક્ટરીના પહેલા અને બીજા માળેથી નવ મૃતદેહો બહાર કાઢ્યા છે. ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના ડિરેક્ટર (ઓપરેશન અને મેન્ટેનન્સ) લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ તાજુલ ઇસ્લામ ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “અમને શંકા છે કે તે બધા ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી મૃત્યુ પામ્યા છે.”

તેમણે ઉમેર્યું હતું કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, અને ફાયર ફાઇટર કપડાની ફેક્ટરીમાં શોધખોળ કરી રહ્યા છે.

ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ મીડિયા વિંગના અધિકારી તલહા બિન જાસીમે જણાવ્યું હતું કે તેમને આગનો અહેવાલ સવારે ૧૧:૪૦ વાગ્યે (સ્થાનિક સમય) મળ્યો હતો, અને પ્રથમ ટીમ સવારે ૧૧:૫૬ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી.