કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ‘કઠોળ આર્ત્મનિભરતા મિશન‘ અને ‘પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના‘ અંગે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, કેન્દ્રીય મંત્રીએ તેમના સમયસર અમલીકરણ માટે સૂચનાઓ જારી કરી હતી. ‘પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના‘ના ઝડપી અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે, શ્રી ચૌહાણ ટૂંક સમયમાં ૧૧ મંત્રાલયોના મંત્રીઓ સાથે બેઠક કરશે.
બેઠક દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે ‘કઠોળમાં આર્ત્મનિભરતા મિશન’ જિલ્લા સ્તરના ક્લસ્ટરો બનાવીને અમલમાં મૂકવામાં આવશે અને આ ક્લસ્ટરોની રચના માટે રાજ્યો પાસેથી સમર્થન માંગવામાં આવશે. વધુમાં શ્રી ચૌહાણે અધિકારીઓને ‘પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના’નો પાયાના સ્તરે અસરકારક અમલ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. તેમણે જણાવ્યું હતું કે જમીન સ્તરે બંને પહેલનો સમયસર અમલ થવાથી ખેડૂતોને સીધો ફાયદો થશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ‘પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના’નો ઉદ્દેશ્ય ૧૧ મંત્રાલયોની ૩૬ પેટા યોજનાઓને એકીકૃત કરીને દેશભરના ૧૦૦ મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ સંદર્ભમાં, શ્રી ચૌહાણે અધિકારીઓને આ ૧૧ મંત્રાલયોના મંત્રીઓ અને સચિવો, નીતિ આયોગના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવા સૂચના આપી હતી, જેથી ખાતરી કરી શકાય કે યોજનાનો મહત્તમ લાભ ખેડૂતો સુધી પહોંચે.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ અધિકારીઓને ‘કઠોળમાં આર્ત્મનિભરતા મિશન‘ના સફળ અને સમયસર અમલીકરણની ખાતરી કરવા માટે સંબંધિત રાજ્યોના નોડલ અધિકારીઓ સાથે બેઠકો યોજવાનો નિર્દેશ પણ આપ્યો. અગાઉ, ૧૧ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પુસામાં આયોજિત એક મેગા કાર્યક્રમ દરમિયાન ‘પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના‘ અને ‘કઠોળ આર્ત્મનિભરતા મિશન‘ શરૂ કરી હતી.
કેન્દ્રીય મંત્રીમંડળે ૧૬ જુલાઈ, ૨૦૨૫ના રોજ ‘પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના‘ને મંજૂરી આપી હતી. આ યોજના નાંણાકીય વર્ષ ૨૦૨૫-૨૬થી શરૂ કરીને છ વર્ષના સમયગાળા માટે ?૨૪,૦૦૦ કરોડના વાર્ષિક ખર્ચ સાથે લાગુ કરવામાં આવશે. તેવી જ રીતે, ‘કઠોળ આર્ત્મનિભરતા મિશન‘ ?૧૧,૪૪૦ કરોડના નાંણાકીય ખર્ચ સાથે છ વર્ષના સમયગાળામાં લાગુ કરવામાં આવશે. આ મિશનનો ઉદ્દેશ્ય ૨૦૩૦-૩૧ સુધીમાં કઠોળના વાવેતર હેઠળનો વિસ્તાર ૨૭.૫ મિલિયન હેક્ટરથી વધારીને ૩૧ મિલિયન હેક્ટર, ઉત્પાદન ૨૪.૨ મિલિયન ટનથી વધારીને ૩૫ મિલિયન ટન અને ઉત્પાદકતા ૧,૧૩૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર કરવાનો છે. ઉત્પાદકતામાં સુધારો કરવા ઉપરાંત, આ મિશન રોજગારીની નોંધપાત્ર તકો પણ ઉભી કરે તેવી અપેક્ષા છે.