જામનગરમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના અંધ આશ્રમ પાસે 1404 આવાસ નજીક બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં આ હત્યા થઈ હતી.
મૃતક યુવકનું નામ મુકેશ કાપડી (ઉંમર 37) છે, જે અંધ આશ્રમ ફાટક નજીક રહેતો હતો. સામાન્ય બાબતમાં ઉગ્ર બોલાચાલી બાદ તેને આડેધડ છરીના ઘા મારવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. નવા વર્ષના પ્રારંભે જ આવી ઘટના બનતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.