અમરેલી જિલ્લાના લિલિયા તાલુકાના સલડી ગામમાં મારામારીની ઘટના દરમિયાન એક પોલીસકર્મચારી પીધેલી હાલતમાં આવ્યો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનોએ આ સાહેબ પીધેલા છે, તેમના મોઢામાંથી વાસ આવે છે એવું કહીને બૂમાબૂમ કરતાં પોલીસકર્મચારી સ્થળ પરથી ભાગતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ અંગે અમરેલી જિલ્લા પોલીસવડાએ જણાવ્યું કે હાલ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધો છે અને આગળની તપાસ ચાલુ છે.
સલડી ગામમાં મારામારી થતાં પોલીસ બોલાવી હતી આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો લિલિયા તાલુકાના સલડી ગામમાં દિવાળીની રાત્રે એક જ સમાજનાં બે જૂથ વચ્ચે પંચાયતની ચૂંટણીના મનદુ:ખને લઇને મારામારી થઇ હતી.
એ મારામારીને લઇને ગ્રામજનોએ પોલીસ બોલાવી હતી. આ દરમિયાન સિદ્ધરાજસિંહ જાડેજા નામનો એક પોલીસકર્મચારી પીધેલો હોવાનું લાગતાં ગ્રામજનોએ બૂમાબૂમ કરતાં પોલીસકર્મી સ્થળ પરથી ભાગી જાય છે, જેનો ગ્રામજનોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.

‘સાહેબ પીધેલા છે…’ કહેતાં જ પોલીસકર્મી ભાગ્યો ગ્રામજનોએ બનાવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે મારામારીની બબાલ દરમિયાન કોઇ બોલે છે કે આ સાહેબના મોઢામાંથી દુર્ગંધ આવે છે, પીધેલા હોવાનું લાગે છે. આ બાદ થોડી રકઝક થાય છે અને બાદમાં તરત જ પોલીસકર્મચારી સ્થળ છોડીને ચાલવા લાગે છે.
ગ્રામજનો વીડિયો બનાવતાં પોલીસકર્મીની પાછળ જતાં તે ફુલ સ્પીડમાં દોડવા લાગે છે. આ બાદ અન્ય પોલીસકર્મચારીઓ પણ તેની પાછળ જાય છે અને બાદમાં પોલીસની જીપમાં બેસીને ભાગેલા પોલીસકર્મીનો પીછો કરે છે.