Gujarat

પારસી પરિવારે સ્વામિનારાયણ ભગવાનની 202 વર્ષ જૂની પાઘડીને સાચવી

પ્રકાશના પર્વ દિવાળી બાદ આવતા પાવન પર્વ ભાઈબીજના દિવસે સુરત શહેરમાં એક એવી અલૌકિક ધાર્મિક ઘટના આકાર પામે છે, જે હિન્દુ અને પારસી ધર્મ વચ્ચેના અનોખા અને અખંડ પ્રેમનો પુરાવો છે. અહીં વાત છે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાને ધારણ કરેલી પાઘડીની, જે આજે 202 વર્ષ વીતી ગયા હોવા છતાં, પારસી કોમ્યુનિટીના એક પરિવારે પોતાના જીવ કરતાં પણ વધારે જતનથી સાચવી રાખી છે.

સૈયદપુરા વિસ્તારમાં વસતા વાડિયા પરિવારના નિવાસસ્થાને વર્ષમાં એક જ વખત, ભાઈબીજના દિવસે, આ દિવ્ય પાઘના દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે. જેનાથી દેશ-વિદેશના હજારો ભક્તો ધન્યતા અનુભવે છે.

સામાન્ય પાઘડી નહીં, શ્રીજીના મસ્તકની સાક્ષાત સેવા આ માત્ર એક જૂની પાઘડી નથી, પરંતુ સદીઓ પૂર્વે શ્રીજી સ્વામિનારાયણ ભગવાને સ્વયં ધારણ કરી હતી તે છે. આ પાઘડીની પાછળ એક ગાઢ ધાર્મિક આસ્થા અને અલૌકિક વાયકા છુપાયેલી છે. વાડિયા પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની આ પાઘડીને માત્ર એક ભેટ નહીં, પરંતુ સાક્ષાત ભગવાનનું માથું માને છે.

આ જ ઊંડી આસ્થાને કારણે, તેઓ છેલ્લા 202 વર્ષથી પાઘની અખંડ સેવા-પૂજા કરી રહ્યા છે. પારસી પરિવારના મોભી કેરશાસ્પજી વાડિયાના જણાવ્યા અનુસાર, આ અમૂલ્ય ધર્મદ્રવ્યને અનેક લોકો મોટી કિંમત આપીને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે, પરંતુ પરિવારનો સ્પષ્ટ મત છે કે ભગવાન દ્વારા અપાયેલી આ ભેટનું કોઈ આર્થિક મૂલ્યાંકન ન આંકી શકાય. આ પાઘડી તેમની માટે સર્વસ્વ છે, જેની કિંમત ધનથી થઈ શકે તેમ નથી.