Gujarat

લિંબાયતમાં દિવાળીની રાત્રે ગુંડાગીરી, આરોપીઓએ ગાળાગાળી કરી ઢીકમુક્કીનો માર માર્યો

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં બે અજાણ્યા શખ્સોએ એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

વિક્કી અને તેના મિત્રએ યુવક પર હુમલો કર્યો લિંબાયત વિસ્તારમાં આવેલા કૈલાશનગર, પ્લોટ નં-106, બાબા બૈજનાથ મંદિર પાસે મજૂરીકામ કરતા દિપક ચંદ્રદેવ પાંડે (ઉ.વ.24) પર આ હુમલો થયો હતો. તારીખ 21/10/2025ના રોજ આશરે 3 વાગ્યાના સુમારે, દિપક પાંડે પર વિક્કી નામના એક શખસ અને તેના એક અજાણ્યા મિત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઝઘડો ફટાકડા ફોડવા બાબતે શરૂ થયો હતો. બોલાચાલી ઉગ્ર બનતા, વિક્કી અને તેના મિત્રએ દિપક પાંડે સાથે ગાળાગાળી કરી ઢીકમુક્કીનો માર માર્યો હતો.

પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા ​​​​​​​હુમલા દરમિયાન વિક્કીના અજાણ્યા મિત્રએ તેની પાસેના કોઈ તીક્ષ્ણ હથિયાર વડે દિપક પાંડેના જમણા પડખાના ભાગે અને જમણા પગના ઘૂંટણના ભાગે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ તાત્કાલિક સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા દિપક પાંડે દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિક્કી અને તેના અજાણ્યા મિત્ર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ASI રાજેન્દ્રભાઈ નટવરભાઈએ આ મામલે ગુનો નોંધી આરોપીઓ વિક્કી અને તેના મિત્રની શોધખોળ શરૂ કરી છે. પોલીસે CCTV અને અન્ય માધ્યમો દ્વારા આરોપીઓના પુરા નામ-સરનામા મેળવીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.