સાબરકાંઠા જિલ્લાના ઇડર-ભિલોડા સ્ટેટ હાઇવે પર ગત રાત્રે મોહનપુરાથી લાલપુર વચ્ચે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વડાલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચેતન અસારીની સ્વિફ્ટ કારે ટ્રીપલ અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક્ટિવા અને એક રિક્ષાને ટક્કર મારવામાં આવી હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં કુલ આઠ લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં રિક્ષાચાલક સહિત પાંચ મુસાફર, તેમજ એક્ટિવા ચાલક, એક મહિલા અને એક નાનું બાળક સામેલ છે, જેમને નીચે પાડી દઈને ગંભીર ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ઇડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ સ્વીફ્ટ કાર વડાલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચેતન અસારી ચલાવી રહ્યા હતા. ઘટનાસ્થળેથી પોલીસ કોન્સ્ટેબલની કારમાંથી વોડકા દારૂની બોટલ મળી આવી હતી અને તે નશાની હાલતમાં હોય તેવા વીડિયોમાં પણ જોવા મળ્યા હતા. ઇડર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.