Gujarat

રિક્ષામાં જ ગર્ભવતી મહિલાની ડિલિવરી કરાવી માતા-બાળકીનો જીવ બચાવ્યો

મહેસાણાના પાલાવાસણામાં 108 એમ્બ્યુલન્સ ટીમે નોંધપાત્ર કામગીરી કરીને એક ગર્ભવતી મહિલાની રિક્ષામાં જ સફળ ડિલિવરી કરાવી અને માતા-બાળકીનો જીવ બચાવ્યો. આ ઘટના આજે સવારે 5:53 વાગ્યે બની, જ્યારે જોટાણાના તેલાવી ગામની ઇન્દ્રાબેન લાલાભાઈ પુછરને પ્રસૂતિ પીડા ઉપડી હતી. 108 ટીમની ત્વરિત કાર્યવાહીએ નવા વર્ષની શરૂઆતમાં એક પરિવારને ખુશીની લ્હાણી કરી

ઘટનાની વિગતો અનુસાર ઇન્દ્રાબેન પોતાના વતન કોટેશ્વર (દાંતા) જઈ રહ્યાં હતાં, ત્યારે રસ્તામાં નાગલપુર ડમરું હોટલ પાસે તેમને અસહ્ય પ્રસૂતિ પીડા શરૂ થઈ. રિક્ષાચાલકે તાત્કાલિક રિક્ષા ઉભી રાખી 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો. પાલાવાસણા 108 ટીમના EMT કાજલ પરમાર અને પાયલોટ ખોડાજી ચૌહાણ ગણતરીની 4 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગયા. તપાસમાં જાણવા મળ્યું કે ઇન્દ્રાબેનની ડિલિવરી તાત્કાલિક થવાની સ્થિતિમાં હતી, જેથી હોસ્પિટલ લઈ જવાનો સમય ન હતો.

108 ટીમે અમદાવાદના તબીબી નિષ્ણાતોની સહાયથી રિક્ષામાં જ નોર્મલ ડિલિવરી કરાવી અને ઇન્દ્રાબેનની હિંમત તેમજ ટીમની કુશળતાથી એક સ્વસ્થ બાળકીનો જન્મ થયો. ડિલિવરી બાદ માતા અને બાળકીને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં, જ્યાં બંને સ્વસ્થ છે. આ ઘટનાએ 108 ટીમની તત્પરતા અને સેવાભાવની પ્રશંસા કરાવી છે અને સ્થાનિકોમાં આનંદનું વાતાવરણ ફેલાયું છે.