Gujarat

દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓને પહેલી પસંદ જૂનાગઢ – ચાર દિવસમાં 9000થી વધુ પ્રવાસીઓએ રોપ-વેથી ગિરનારની મુલાકાત લીધી

દિવાળીની લાંબી રજાઓ શરૂ થતાં જ ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ધાર્મિક આસ્થા, પૌરાણિક વારસો અને પ્રકૃતિની અદ્ભુત સુંદરતા ધરાવતું જૂનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્તારો પ્રવાસીઓની પહેલી પસંદ બન્યા છે. ભવનાથ ક્ષેત્રે ગિરનાર પર્વતથી લઈને સાસણ ગીરના જંગલો સુધી, સતાધાર, પરબ, મઢડા અને બળેજના ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે.

જૂનાગઢમાં પ્રવાસીઓનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર ગિરનાર પર્વત છે. દિવાળીની રજાઓમાં મોટી સંખ્યામાં ભાવિકો ગિરનાર પર્વત પર બિરાજમાન મા અંબા, ભગવાન દત્તાત્રેય અને જૈન દેરાસરોના દર્શન કરવા આવી રહ્યા છે. ગિરનાર પર્વત પર પહોંચવા માટે પ્રવાસીઓ પગથીયા મારફતે તેમજ રોપ-વે મારફતે સફર કરી રહ્યા છે.

જ્યારથી રોપ-વે શરૂ થઈ છે, ત્યારથી ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવતા ભાવિકોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. રોપ-વેની આશરે 10 મિનિટની સફર પ્રવાસીઓ માટે રોમાંચક બની રહી છે. પ્રવાસીઓ ઊંચાઈએથી પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય માણવા ગિરનાર આવી રહ્યા છે. દિવાળીની રજાઓના છેલ્લા ચાર દિવસમાં 9000થી વધુ લોકો રોપ-વે મારફતે ગિરનાર પર્વત પર પહોંચ્યા હતા. જે પ્રવાસીઓના ઉત્સાહને દર્શાવે છે.