Gujarat

સુરતના વાવ ગામે શેરડીના પાકમાં આગ ત્રણ વિઘા શેરડી બળીને ખાખ, ખેડૂતને ₹1 લાખનું નુકસાન

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામ નજીક શેરડીના ઉભા પાકમાં આગ લાગી હતી. આ ઘટનામાં ખેડૂતની ત્રણ વિઘા શેરડી બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે અંદાજે ₹1 લાખનું નુકસાન થયું છે.

આગની જાણ થતાં જ કામરેજ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ 23,000 લીટર પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, કુલ આઠ વિઘાના પાકમાંથી ત્રણ વિઘા શેરડીને નુકસાન થયું હતું.

ખેડૂતે આ આગ ફટાકડાના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરી છે. દિવાળીના તહેવારો દરમિયાન આવા બનાવો વધ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દિવાળી પર્વના સમયગાળામાં સુરત જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં એકાએક વધારો જોવા મળ્યો છે, જેને કારણે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે.