Gujarat

2007માં રાજુ તિવારીએ મિત્ર વિનોદ સાથે મળીને ગૌતમ પટેલ નામના વ્યક્તિ પર ગોળી ચલાવી હતી

સુરત પોલીસે 18 વર્ષ જૂના એક હત્યાના પ્રયાસના કેસનો કોયડો ઉકેલીને એક ભાગેડુ આરોપીને ઝડપી પાડ્યો છે. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 2007માં નોંધાયેલા આ કેસમાં આરોપી રાજુ ઉર્ફે રજ્જુ બચ્ચિ તિવારી 18 વર્ષ સુધી પોલીસને થાપ આપીને ફરાર રહ્યો હતો. જોકે, આખરે સુરત એસ.ઓ.જી. પોલીસે તેને અમરોલી બંબાગેટ પાસેથી દબોચી લીધો છે.

વર્ષ 2007માં રાજુ તિવારી અને તેના મિત્ર વિનોદે મળીને ગૌતમ પટેલ નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસની પૂછપરછમાં રાજુએ કબૂલયું હતું કે, તે યામાહા બાઇક ચલાવતો હતો અને પાછળ બેઠેલા વિનોદે ગૌતમ પટેલ પર ગોળીબાર કર્યો હતો. સદભાગ્યે, ગોળી ગૌતમ પટેલના કાન પાસેથી નીકળી જતાં તેમનો જીવ બચી ગયો હતો.

18 વર્ષની ભાગમભાગીનો અંત હુમલો થતાં જ ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું હતું. રાજુ તિવારી ગભરાઈને બાઇક મૂકીને ભાગી છૂટ્યો હતો, જ્યારે તેનો મિત્ર વિનોદ પબ્લિકના હાથે પકડાઈ ગયો હતો. રાજુએ પોલીસ પકડથી બચવા માટે આ 18 વર્ષ દરમિયાન સતત પોતાનું રહેઠાણ બદલ્યા કર્યું હતું અને જોનપુર, ઉત્તર પ્રદેશમાં છુપાયેલો હતો.