Gujarat

ઐતિહાસિક દાંડી માર્ગ પર દુધની જેમ દારૂનું વેચાણ, વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઇ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ માત્ર કાગળ પર હોય તેવું ખેડા જિલ્લાના માતર વિસ્તારમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. માતરમાં આવેલા ઐતિહાસિક દાંડી માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ ગેરકાયદેસર દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

દારૂના દુષણથી સ્થાનિકો ત્રાહિમામ પ્રાપ્ત માહિતી અનુસાર ચંદ્રકાન્ત તળપદા નામનો એક બુટલેગર આ વિસ્તારમાં બેફામ બનીને ગેરકાયદેસર દારૂનું વેચાણ કરી રહ્યો છે. આ પ્રવૃત્તિને કારણે આસપાસના રહેવાસીઓ, ખાસ કરીને પ્રભુકૃપા સોસાયટીના રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

વીડિયો વાયરલ થતાં પોલીસ સફાળી જાગી આ સમગ્ર દારૂ વેચાણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે બુટલેગર સામે ફરિયાદ નોંધી છે. આ સમગ્ર મામલે માતર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. ખાંટે જણાવ્યું હતું કે વાયરલ થયેલા વીડિયો બાદ અમે તાત્કાલિક કાર્યવાહી કરી છે. દારૂનું વેચાણ કરનારા ઇસમ ચંદ્રકાન્ત તળપદા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ નવરાત્રી દરમિયાન પણ આ જ ઇસમ વિરુદ્ધ દારૂ વેચાણ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.