વિસનગર તાલુકાના તરભ ગામમાં આવેલા પ્રસિદ્ધ વાળીનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયેલા સાબરકાંઠાના એક પરિવારની મહિલાના ગળામાંથી સોનાનો દોરો આંચકી લેવાયો છે. આશરે ત્રણ તોલા વજનના આ દોરાની કિંમત ₹3,60,000/- જેટલી આંકવામાં આવી છે. આ ઘટના અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ભંડવાલ ગામના મિતેશકુમાર અરવિંદભાઈ પટેલ 22 ઓક્ટોબરના રોજ પરિવાર સાથે ઊંઝા ઉમિયા માતાના દર્શન કરીને બપોરે લગભગ 2 વાગ્યે તરભ વાળીનાથ મંદિરે પહોંચ્યા હતા.
મંદિરમાં ભોજન કર્યા બાદ પરિવારના સભ્યો દર્શન કરવા ગયા હતા. દર્શનની લાઈનમાં મિતેશકુમારના કુટુંબી કાકી દિવાબેન ડાહ્યાભાઈ પટેલ ઊભા હતા. તે સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તેમના ગળામાં પહેરેલો ત્રણ તોલાનો સોનાનો દોરો આંચકી લીધો હતો. દિવાબેન જ્યારે દાન પેટીમાં દાન કરવા માટે ખભે ભરાવેલું પાકીટ કાઢવા ગયા, ત્યારે તેમને ગળામાં દોરો ન હોવાનું માલુમ પડ્યું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મિતેશકુમાર પટેલે વિસનગર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

