Gujarat

ચોમાસાની બદલાયેલી પેટર્નથી ખેડૂતોની મુશ્કેલી વધી

નવસારી જિલ્લામાં ચોમાસાની બદલાયેલી પેટર્નને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. કાપણી સમયે અણધાર્યા વરસાદથી ડાંગરનો પાક ભીંજાઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ભીતિ છે. નવસારી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પીનાકિનભાઈએ આ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

છેલ્લા એક દાયકાથી ચોમાસાની પદ્ધતિમાં ધરખમ ફેરફારો જોવા મળ્યા છે. અનિયમિત ચોમાસાને કારણે ખેડૂતોને પાછળથી વાવણી કે રોપણી કરવી પડે છે, પરંતુ વરસાદ તેમનો પીછો છોડતો નથી. છેલ્લા એક અઠવાડિયાથી ખેતરોમાં ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી હતી. આવામાં અણધારી આગાહી મુજબ ગઈ કાલથી આખી રાત વરસાદ વરસ્યો, જેનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જે ખેતરો સંપૂર્ણ સુકાઈ ગયા હતા, ત્યાં હવે ભારે વરસાદના કારણે જમીન ભીની થઈ ગઈ છે. પરિણામે, ખેતરોમાંથી ટ્રેક્ટર કાઢવું પણ મુશ્કેલ બન્યું છે.

મજૂરો દ્વારા કાપણી કરાયેલી ડાંગર ખેતરોમાં જ પડી છે અને તેને લઈ શકાઈ નથી. મશીન દ્વારા કાપણી કરાયેલું પરાળ (પૂળા) પણ વરસાદના કારણે ભીંજાઈ ગયું છે. સામાન્ય રીતે કાપણીના ત્રીજા-ચોથા દિવસે ડાંગર લેવામાં આવે છે. આ ઉપરાંત, જે ડાંગરના દાણા છૂટા પાડીને ઘરે લાવવામાં આવ્યા હતા અને સૂકવવા માટે બહાર કે બારણામાં મૂકવામાં આવ્યા હતા, તે પણ આ અચાનક આવેલા વરસાદથી ભીંજાઈ ગયા છે.