ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી દેવળીયા પાસે આવેલા મંદિરે દર્શન કરવા જઈ રહેલા એક પરિવાર પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. ગડુ ગામ નજીક એક સ્વીફ્ટ કારના બેદરકાર ચાલકે ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં વેરાવળના એક મહિલાનું ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ નીપજ્યું છે.
વેરાવળના રહેવાસી કુનાલભાઈ મહેશભાઈ પાલ દ્વારા ચોરવાડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારના પોણા અગિયારેક વાગ્યાના અરસામાં તેઓ તેમના માતા અનિતાબેન, પિતા મહેશભાઈ અને બહેન હેતલબેન સાથે ઓટો રિક્ષા (GJ-32-U-1718) ભાડે કરીને દેવળીયા પાસે ભૈરવદાદાના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. આશરે બારથી સવા બાર વાગ્યાના અરસામાં ગડુ ગામ આગળ પેટ્રોલ પંપ પાસે પહોંચતા તેમની આગળ જઈ રહેલી સફેદ કલરની સ્વીફ્ટ કાર (GJ-32-AA-3391)ના ચાલકે બેદરકારીપૂર્વક, પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કર્યું હતું.

